કચ્છમાં કરાયો વેક્સિનેશન પર સવાલ

0
0

કચ્છમાં કોરોનાની શરૂઆતથી જ સરકારી તંત્રો દ્વારા આંકડા છૂપાવવામાં આવવાની સાથે તેમા ભારે વિસંગતતા પણ જોવા મળી રહી છે. જિલ્લા પંચાયત અને ગુજરાત સરકારના કોરોનાના આંકડામાં પણ ભારે વિસંગતતા બાદ હવે રસીકરણના આંકડામાં પણ આવુ જોવા મળી રહ્યું છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાતી યાદી પ્રમાણે કચ્છમાં માત્ર તા. 20/7 સુધી 5.69 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જોકે દેશવ્યાપી સરકારી કોવિન પોર્ટલ પ્રમાણે કચ્છમાં અધધ 6.87 લાખ લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. આમે આ બન્ને તંત્ર વચ્ચે આંકડામાં 1.18 લાખ ડોઝનો તફાવત છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આ એક લાખ વધારાના ડોઝ એ છે કે જે ખાનગી કંપનીઓ અને હોસ્પિટલમાં અપાયા છે તેવી સ્પષ્ટતા કરાઇ છે! પરંતુ કચ્છમાં ખાનગી કંપનીઓ અને હોસ્પિટલમાં એક લાખ કરતા વધારે ડોઝ અપાઇ ગયા તે પણ ચોંકાવનારૂ છે !

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં 14 લાખથી વધારે લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે. તેની સામે તા. 20/7 સુધીમાં કચ્છમાં માત્ર 5,69,192 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. હવે આ આંકડાએ ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સરકારના જ કોવિન પોર્ટલ પર કચ્છના આંકડા જિલ્લા પંચાયત દ્વારા અપાતા આંકડાથી જૂદા જ છે. કોવિન પોર્ટલ પ્રમાણે કચ્છમાં અધધ 6,87,568 લોકોએ રસીનો પ્રથમ ડોઝ તથા 1,96,248 લોકોએ બીઝો લઇ લીધો છે. એટલે કે કચ્છમાં અધધ 8,83,816 ડોઝ અપાઇ ગયા છે.

આમ જિલ્લા પંચાયત અને કોવિન પોર્ટલના આંકડામાં ભારે વિસંગતતા છે. જોકે આરોગ્ય વિભાગ કોવિનના આંકડાને સાચા માને છે. કારણ કે તે સ્થળ પર વેક્સિન પ્રમાણે સતત અપડેટ થાય છે. જે હોય તે જિલ્લા પંચાયત દ્વારા કોરોનાના કેસો ખાનગી હોસ્પિટલના પણ આપવામાં આવતા હતા. તો પછી ખાનગી હોસ્પિટલના રસીકરણના આંકડા પણ સાથે આપવા જોઇએ. જેથી કરીને રસીકરણનું સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે.

બન્ને આંકડા પોતાની રીતે સાચા છે : CDHO
રસીના આંકડામાં વિરોધાભાસ અંગે કચ્છના મુખ્ય આરોગ્ય અધિકારી જનક માઢકને પૂછતા તેઓએ જણાવ્યું હતુ કે બન્ને આંકડા પોતાની રીતે સાચા છે. જિલ્લા પંચાયત દ્વારા જે આંકડા આપવામાં આવે છે તે સરકારી સેન્ટર અને કેમ્પના છે. જે નિશૂલ્ક રસી અપાઇ છે તેના આંકડા છે. જ્યારે કોવિન પોર્ટલ પર ખાનગી કંપનીઓ અને હોસ્પિટલમાં અપાયેલી રસીના આંકડા પણ સામેલ હોય છે. એટલે આ એક લાખથી વધારેનો વિરોધાભાસ આવે છે.

કોરોનાના આંકડા પણ કચ્છ અને રાજ્ય સરકારના જૂદા
નોંધનીય છે કે કોરોનાના આંકડામાં પણ ભારે વિરોધાભાસ છે. મોતના આંકડા છૂપાવાયા છે તે તો જગજાહેર છે. પરંતુ બન્ને સરકારી તંત્રોના આંકડામાં પણ મેળ બેસતો નથી. જિલ્લા પંચાયત પ્રમાણે કચ્છમાં અત્યાર સુધી કોરોનાથી 282 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્ય સરકારના કોરોના ગુજરાત પોર્ટલ પ્રમાણે કચ્છમાં માત્ર 145 દર્દીઓના મોત થાય છે.

કચ્છમાં ઉંમર પ્રમાણે અપાયેલા ડોઝ

ઉંમર ડોઝ
60થી વધારે 1,99,699
45થી 60 2,62,995
18થી 44 4,20,621

 

વેક્સિનેશન મહિલા-પુરુષ

મહિલા 3,85,608
પુરુષ 4,98,079

 

મોટાભાગે કોવીશિલ્ડ વેક્સિન

કોવિશિલ્ડ 8,10,424
કોવેક્સિન 73,392

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here