આર રહેમાનની માતા કરીમા બેગમનું અવસાન, મ્યૂઝિક મેસ્ટ્રોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી

0
9

ઓસ્કર વિનર મ્યૂઝિક કમ્પોઝર એ આર રહેમાનની માતા કરીમા બેગમનું 28 ડિસેમ્બર, 2020ના રોજ નિધન થયું હતું. કરીમા બેગમ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા. એ આર રહેમાને સોશિયલ મીડિયામાં માતાની તસવીર શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કરીમા બેગમના અંતિમ સંસ્કાર આજે (28 ડિસેમ્બર) કરવામાં આવશે. રહેમાને ઘણીવાર સ્ટેજ શોમાં કહ્યું હતું કે તે માતાની ઘણી જ નિકટ છે.

કરીમા બેગમે ત્રણ દીકરીઓ અને એક દીકરાને મોટા કર્યા
રહેમાન જ્યારે નવ વર્ષના હતા ત્યારે તેમના પિતા આર કે શેખરનું અવસાન થયું હતું. આર કે શેખર જાણીતા મ્યૂઝિક કમ્પોઝર હતા. કરીમા બેગમે પતિનું અવસાન થતાં મ્યૂઝિકના સાધનો ભાડે આપીને ઘરનું ગુજરાન ચલાવ્યું હતું. તેમને દીકરો એ આર રહેમાન તથા ત્રણ દીકરીઓ એ આર રેઈલ્હાના, ઈશાર્થ કાદરી તથા ફાતિમા શેખર છે.

આ કારણે હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો
કરીમા બેગમનું સાચું નામ કસ્તૂરી શેખર હતું. પતિના અવસાન બાદ તેઓ મુશ્કેલીથી ઘર ચલાવતા હતા. આ સમયે અચાનક જ તેમની દીકરી ગંભીર રીતે બીમાર પડી હતી. ડૉક્ટર્સે તેના બચવાની આશા છોડી દીધી હતી. આ સમયે પરિવારે અનેક માનતા માની હતી. જોકે, તબિયત સુધરવાને બદલે બગડતી જતી હતી. આ સમયે પરિવાર મુસ્લિમ પીર શેખ અબ્દુલ કાદિર જીલાનીને મળ્યો હતો. તેમના આશીર્વાદથી કરીમા બેગમની દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ પ્રસંગથી પરિવારને મુસ્લિમ ધર્મમાં આસ્થા બેઠી હતી. રહેમાન જ્યારે 23 વર્ષના હતા ત્યારે એટલે કે 1989માં આખા પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. રહેમાનનું હિંદુ નામ એ એસ દિલીપ કુમાર હતું. મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેમણે પોતાનું નામ અલ્લાહરખા રહેમાન રાખ્યું હતું.

માતા અંગે આ વાત કહી હતી
એક ઈન્ટરવ્યૂમાં રહેમાને માતા અંગે કહ્યું હતું કે તેમની માતામાં સંગીતની સમજ વધારે છે. તેઓ આધ્યાત્મિક રીતે તેના કરતાં વધુ વિચારે છે અને નિર્ણયો લે છે. માતાને કારણે જ તેમણે અભ્યાસ છોડીને સંગીત શીખવાની શરૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here