ટીવીથી ફિલ્મની સફર : રાધિકા મદને ફિલ્મમાં આવતા પહેલાં સુશાંતનું ઉદાહરણ આપ્યું હતું, કહ્યું- બધા કહેતા કે ટીવી એક્ટર્સને કોઈ લેતું નથી

0
13

મુંબઈ. ઈરફાન ખાનની સાથે ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મમાં જોવા મળેલી રાધિકા મદન પોતાની એક્ટિંગને કારણે ચાહકોમાં લોકપ્રિય થઈ છે. ફિલ્મમાં આવતા પહેલાં રાધિકા મદન ‘મેરી આશિકી તુમસે હી’માં જોવા મળી હતી. સુશાંતના નિધન બાદ રાધિકાએ કહ્યું હતું કે તે ફિલ્મમાં આવી તે પહેલાં દરેકને સુશાંતનું ઉદાહરણ આપતી હતી.

હાલમાં જ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, ‘સુશાંતે તેને પ્રેરણા આપી છે. હું ટીવીમાંથી બોલિવૂડમાં આવી, કારણ કે સુશાંતે આને શક્ય બનાવ્યું હતું. મને હંમેશાં કહેવામાં આવતું કે ટીવી સાથે જ જોડાયેલા રહો, કારણ કે ટીવી એક્ટરને કોઈ લેતું નથી. આવા સમયે હું બધાને સુશાંતનું ઉદાહરણ આપતી હતી. હું તેમને તેમના કામ માટે યાદ રાખીશ.’

નેપોટિઝ્મ, લૉબી કલ્ચર તથા ગ્રુપિઝ્મ પર રાધિકાએ કહ્યું હતું, ‘ટીવી એક્ટ્રેસ હોવાને કારણે નહીં પરંતુ આ ઈન્ડસ્ટ્રીના ના હોવાને કારણે આ સફર મુશ્કેલ રહી હતી. અમારે સહન કરવું પડે છે. મારું માનવું છે કે હું 200 ટકા આપીશ છતાંય કોઈ રોલ સ્ટારકિડને જ આપવામાં આવશે. હું હંમેશાં ઓડિશન આપવા માટે વિનંતી કરું છું. મારું કામ બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું.’

રાધિકા મદને વર્ષ 2014માં કલર્સ ચેનલના શો ‘મેરી આશિકી તુમસે હી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ચાર વર્ષ બાદ તેણે 2018માં ‘પટાખા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ તથા ‘અંગ્રેજી મીડિયમ’માં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. રાધિકા હવે ફિલ્મ ‘શિદ્દત’માં જોવા મળશે.