Categories
અમદાવાદ

સાબરમતી જેલના કેદીઓ માટે શરૂ કરાયો ‘રેડિયો પ્રિઝન’ : જેલ ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરાશે

અમદાવાદ શહેરમાં સાબરમતી જેલમાં ગાંધી જયંતી નિમિત્તે અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. જેલ દ્વારા પહેલી વાર રેડિયો પ્રિઝન નામથી રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જેમાં કેદીઓ રેડીઓ જોકી બનીને બંદીવાન ભાઈઓ અને બહેનોને મનોરંજન આપશે

રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું છે કે, આઝાદી પૂર્વે સાબરમતી જેલ સ્વાતંત્ર્ય લડતના મંદિર સમાન હતી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, ઝવેરચંદ મેઘાણી, કસ્તુરબા અને તૈયબજી જેવા વીરલાઓ આ જેલમાં બંદીવાન તરીકે રહ્યા હતા. જેલમાં આવતા આ સ્વાતંત્ર્યવીરો ગર્વની લાગણી અનુભવતા હતા.

આઝાદી બાદ સમાજમાં જેલનું સ્થાન અને પરિભાષા બદલાઇ છે. પરંતુ રાજ્ય સરકારે આઝાદી બાદ જેલોને કેદીઓના વિકાસ,ઘડતર અને પુનર્વસનના કેન્દ્રબિંદુ બનાવ્યા છે.

અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા સંચાલિત ‘રેડીયો પ્રિઝન’ના શુભારંભ પ્રસંગે રાવે કહ્યું કે, કોરોના મહામારીને કારણે લોકોને લોકડાઉન થવાની-આઇસોલેશનમાં રહેવાની ફરજ પડી. આ તકે આપણને સમજાયું કે બંદીવાન બની રહેવું કેટલું કઠિન છે. કેદમાં પુરાયા બાદ જ આઝાદીની સમજ આવતી હોય છે. મનગમતું કરવું, હરવું-ફરવું જેવા સામાન્ય નાગરિકોના અધિકારો બંદિવાનો પાસે હોતા નથી. જેલના બંદીવાનોની મનોદશા પર વિચાર- મંથન કરવાવાળા ઘણા ઓછા છે. આથી જ બંદીવાનોના પ્રશિક્ષણ, કૌશલ્યવર્ધન, તાલીમ અને કાઉન્સેલિંગ આવશ્યક હોય છે. જેલના હકારાત્મક અને સુધારાત્મક વાતાવરણે અહીંના કેદીઓમાં સંગીત, ગાયન, વાદન, ચિત્રકળા, હસ્તકળા, દરજીકામ, સુથારીકામ અને ફેબ્રિકેશનની કુશળતાઓ બહાર લાવી છે.

જેલના વડા ડૉક્ટર કે.એલ.એન.રાવે જણાવ્યું કે, રાજ્યની જેલો 72 જેટલી પ્રોડક્ટ્સ (ઉત્પાદ) બનાવે છે. સાબરમતી જેલના ભજીયાનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા એક કરોડ છે. આથી જ વર્તમાન ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરવાનો નિર્ણય લેવાયો છે. ભવિષ્યમાં બનનારા હેરિટેજ ભજીયા હાઉસમાં સાબરમતી જેલની પરિવર્તન યાત્રા પ્રદર્શિત કરતો હોલ, લોન્જ અને બેન્ક્વેટ હોલ હશે રાજ્યની 28 જેલોમાં બનતા ખાદ્ય પદાર્થોના ઓનલાઇન ટ્રેડિંગ માટે સર્ટીફીકેશન તથા એફ.એસ.એસ.એ. આઇ. માં પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાવે કહ્યું કે, ‘રેડિયો પ્રિઝન’ જેલના બંદીવાનોને મનોરંજન, લીગલ એડ(કાનૂની સલાહ), સ્ટોરી ટેલિંગ, સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, પ્રશિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડશે.

‘રેડિયો પ્રિઝન’ જેલના બંદીવાનનો માટે ‘વિન્ડો ટુ વર્લ્ડ’ સમાજ સાથેની કનેક્ટિંગ લીંક છે. કેદી ભાઈઓના જન્મ દિવસે શુભેચ્છાઓ રેડિયોના માધ્યમથી આપવામાં આવશે. સાથે જ જેલમાંથી સજા પૂરી કરી વિદાય લેતા કેદીઓ માટે વિશેષ બ્યુગલ-જીંગલ પણ રેડિયોમાં વાગશે. ‘રેડીયો પ્રિઝન’ના સંચાલન માટે 10 કેદીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમ રાવે જણાવ્યું હતું.

શ્રી રાવે અમદાવાદ મધ્યસ્થ જેલ પરિસરમાં નવનિર્મિત મેડિકલ ડિસ્પેન્સરીનો કાર્યારંભ કરાવ્યો હતો. આ ડિસ્પેન્સરી 20 બેડની ક્ષમતા ધરાવે છે.

ગાંધી જયંતી પર્વે શ્રી રાવે ‘ગાંધી કોટડી’માં જઈ ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. વર્ષ 1922માં ગાંધીજીએ અહીં દસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ મધ્યસ્થ જેલના એસ.પી. શ્રી. રોહન આનંદ, ડી.વાય.એસ.પી. શ્રી દિગ્વિજયસિંહ રાણા, અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અને બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *