સુરત : ગેંગસ્ટર સૂર્યા મરાઠી હત્યા કેસમાં હાર્દિકના ખાસ ગણાતા રાહુલ અને સતિષ DCB પોલીસમાં હાજર થયા

0
34

સુરતઃ વેડ રોડ વિસ્તારમાં ઓફિસમાં ઘૂસીને ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે હુમલો કરનાર હાર્દિક પટેલનું પણ મોત થયું હતું. આ કેસમાં પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં હુમલાખોર અને મૃતક હાર્દિકના ખાસ ગણાતા રાહુલ અને સતિષ ઉર્ફે બાબુ ડીસીબી પોલીસમાં હાજર થયા હતા. પોલીસે ડિટેઈન કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ઘટના શું હતી?

વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભોવન નગરમાં સાંઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી શ્રીરામ પવાર( 36 વર્ષ) પરિવાર સાથે રહતો હતો. 2016થી મનુ ડાયાની હત્યાના ગુનામાં સૂર્યા મરાઠી જેલમાં હતો. આ દરમિયાન સૂર્યાની ગેંગના ખાસ હાર્દિક પટેલે સૂર્યા ગેંગની કમાન સંભાળી હતી. પાંચેક દિવસ પહેલા પહેલા સૂર્યા જેલમાંથી નિર્દોષ છૂટ્યો હતો. બુધવારે સૂર્યા મરાઠી ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે 1.22 મિનિટે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંગ ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે 28, પાછળના ભાગે 22 એમ કુલ 50 ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરક હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભોવન નગરથી એકાદ કિલોમીટર દૂર કોઝ વે તરફ રિધ્ધી-સિધ્ધી સોસાયટીથી આગળ હાર્દિક બાઇક પરથી નીચે પડતા તેનો સાગરિત તેને છોડીને નાસી ગયો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યુ હતું. ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું.

હાર્દિકની પત્નીની છેડતીનો બદલો લેવા હત્યા કરાઈ હતી

2016માં મનુ ડાહ્યાની હત્યા કેસમાં સૂર્યા મરાઠી જેલમાં હતો. તેની ગેર હાજરીમાં સૂર્યાનો ખાસ ગણાતો હાર્દિક પટેલ તેની ગેંગ ઓપરેટ કરતો હતો. છેલ્લા ચાર વર્ષમાં હાર્દિકે ઘણા કામ ગેંગ વતી કર્યા હતા. પરંતુ નવરાત્રિમાં સૂર્યાએ હાર્દિકની પત્નીની છેડતી કરી ત્યાર બાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. ત્યાર બાદ હાર્દિક સૂર્યાના ખાસ ગણાતા બિલ્ડર સાથે પણ રૂપિયાના મુદ્દે બબાલ કરી હતી. હવે સૂર્યા છૂટ્યો ત્યાર પછી તે હાર્દિક પાસે નવરાત્રિ પછીનો હિસાબ માંગતો હતો. બીજી તરફ હાર્દિકને તેની પત્નીની સૂર્યાએ છેડતી કરી હોવાથી સૂર્યા પ્રત્યે રોષ હતો.

હત્યાનું કાવતરું ભટારમાં ઘડાયું?

સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલે આમને સામને એક બીજાને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. હવે પોલીસ ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે. હત્યાનું કાવતરૂં ભટાર વિસ્તારમાં ઘડાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે ભટાર વિસ્તારમાં સૂર્યાનો એક દુશ્મન રહે છે તેમજ એક કરોડ રૂપિયા માટે આજ વિસ્તારના માથાભારે વ્યકિત સાથે બબાલ ચાલતી હતી. એક જમીનના સેટિંગમાં ભટાર વિસ્તારનો માથાભારે વ્યકિત અને સૂર્યા વચ્ચે વિવાદ ચાલતો હતો. ભટારનો વ્યકિત સૂર્યાને તે રૂપિયા આપતો ન હતો. માત્ર વાયદાઓ કરતો હતો. તેમની વચ્ચે રકઝક પણ થઈ હતી. આ દરમિયાન સુર્યાએ હાર્દિકની પત્નીની સૂર્યાએ છેડતી હતી. બીજી તરફ હાર્દિકની સિંગણપોર વિસ્તારમાં એક જમીન મુદ્દા સૂર્યા સાથે બબાલ થઈ હતી. સૂર્યાના ખાસ બિલ્ડર સાથે હાર્દિકે રૂપિયા મુદ્દે બબાલ કરી હતી. તે તમામને ભટાર વિસ્તારમાંથી દોરી સંચાર મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.