CM રૂપાણીએ કોંગ્રસ પર સાધ્યું નિશાન – રાહુલ ગાંધીને કોથમીર અને મેથીનો ફર્ક પણ ખબર નથી..

0
0

કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોએ આજે ભારત બંધ રાખવાનું એલાન કર્યું છે. જેને ગુજરાતમાં પણ કંઇક અંશે સમર્થન મળ્યું છે. જેમા ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. બંધના પગલે રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, બંધને લગતી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે તો તે અંગે પણ કડક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.

આજના ભારત બંધના એલાન ને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે CM રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખોટા આંદોલન કરી વિપક્ષ ખેડૂતો અને નાગરિકોને ભડકાવવા નીકળ્યો છે. મારે કોંગ્રેસના લોકોને પુછવાનું છે કે શું તમે ટેકાના ભાવે એક દાણો ખરીદ્યો છે, જવાબ છે ના. કોંગ્રેસના રાહુલ ગાંધીને કોથમીર અને મેથીનો ફર્ક પણ ખબર નથી. ભૂતકાળમાં કોંગ્રેસે આ કાયદો લાવવા વિચાર્યુ જ હતું. કોંગ્રેસ કેમ આંદોલનમાં જોડાઈ તે નથી સમજાતું.

મહેસાણા જિલ્લાની પાણી પુરવઠાની રૂપિયા 287 કરોડની 6 યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ખાતમૂહર્ત કરાયું હતું. આ દરમિયાન મુ્ખ્યમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

ભારત બંધની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી છે. લગભગ મોટાભાગના માર્કેટ યાર્ડે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. રોજની જેમ ખેડૂતો એપીએમસીમાં ખેતપેદાશો ખરીદવા અને વેચવા આવી રહ્યાં છે. તો કેટલાક ખેડૂત સંગઠનો શાંતિપૂર્ણ રીતે બંધને આહવાન આપી રહ્યાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠેરઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શનો દ્વારા ભારત બંધને સમર્થન આપી રહ્યાં છે.

આમ, શાંત ગુજરાતમાં કોંગ્રેસ કાંકરીચાળો કરવાનું પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસ એક્શનમાં આવી છે, અને વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો અનેક લોકોને નજરકેદ કરાયા છે, જેથી ગુજરાતની શાંતિ વધુ ડહોળાઈ નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here