રાજકોટ : શિવરાત્રીમાં જૂનાગઢ જવા રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

0
13

રાજકોટઃ આગામી તારીખ 21ને શુક્રવારે મહાશિવરાત્રીનો પર્વ હોય દર વર્ષે જૂનાગઢમાં યોજાતા શિવરાત્રી મેળામાં જવા માટે રેલવે વિભાગે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. તારીખ 18, 19 અને 21 ફેબ્રુઆરીએ સાંજે 5.10 કલાકે આ સ્પેશિયલ ટ્રેન ઉપડશે. આ ઉપરાંત રાજકોટથી જૂનાગઢ તરફ જતી ત્રણ ટ્રેનમાં ચાર-ચાર વધારાના કોચ જોડાશે.

પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ દરમિયાન આયોજિત મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખતા રાજકોટ તથા સોમનાથ સ્ટેશનથી જૂનાગઢ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ત્રણ જોડી ટ્રેનમાં ચાર-ચાર સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવી રહ્યા છે. વધુમાં તા.17 થી 21 ફેબ્રુઆરી 2020 સુધી ટ્રેન નં. 22957/22958 વેરાવળ-અમદાવાદ તથા 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા 59507/59508 સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ઉક્ત ચાર વધારાના જનરલ કોચ લાગશે. ઉલ્લેખનીય છે કે ટ્રેન નં. 19119/19120 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે. જોકે જૂનાગઢમાં હાલ પ્રવાસીઓ આવવા લાગ્યા છે. સાધુ સંતો પોત પોતાના ધુણાં ધંખાવવા લાગ્યા છે.