સૌરાષ્ટ્રમાં વરસાદ : ગીર ગઢડામાં સવારે દોઢ ઇંચ, અમરેલીના ગ્રામ્ય પંથકમાં અઢી ઇંચ, નદીમાં પૂર આવતા રાજુલાના સાજણવાવ ગામે જવાનો રસ્તો બંધ

0
37

રાજકોટ: ઉના, ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ નવસર્જીત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું. તેમજ અમરેલીના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારાને કારણે રાજકોટમાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે.

અમરેલી જિલ્લામાં પાંચમાં દિવસે ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યું

અમરેલી જિલ્લા સતત પાંચમાં દિવસે મેઘસવારી આવી પહોંચી હતી. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ખાંભાના બોરાલા, ચકરાવા, પચપચીયા, સાળવા, કાંટાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લીલીયાની નાવલી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થઇ જતા મુસાફરોએ બાબપુર ગામના જર્જરીત બસસ્ટેન્ડમાં મુસાફરોએ આશરો લીધો હતો. રાજુલાના સાજણવાવ ગામે ધોધમાર વરસાદ પડતા સાજણી નદીમાં પૂર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.

મેટોડા GIDCમાં ઉદ્યોગોનું પાણી ચેકડેમમાં ભળતા ફીણ વળ્યા

ગઇકાલે રાજકોટના મેટોડામાં ધોધમાર વરસાદ પડતા ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ચેકડેમમાં ભળતા ફીણ વળ્યા હતા. કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા વાવેલા પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. તેમજ કેમિકલયુક્ત પાણી પશુઓ પીવે તો પશુઓના મોતનો પણ ખતરો તોળાઇ રહ્યો છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઇ નિકાલ આવ્યો નથી.