સપ્ટેમ્બરમાં વરસાદે મુંબઈમાં 26, તો સુરતમાં 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો

0
0

દેશમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે પણ તે પૂર્વે બંગાળના અખાતથી માંડીને પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતાં દેશનાં ઘણાં રાજ્યોમાં બુધવારે ભારે વરસાદ થયો હતો. ચાલુ સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદે મુંબઈમાં 26 વર્ષનો તો સુરતમાં 32 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સુરતમાં 1988 પછી સિઝનનો 85.17 ઇંચ વરસાદ નોંધાયો છે. અગાઉ 1992માં 85 ઇંચ, 2013માં 84 ઇંચ વરસાદ થયો હતો. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમમાં બે દિવસથી ભારે વરસાદથી ઘણા વિસ્તારો પૂરની ઝપેટમાં છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો. મુંબઇના સાંતાક્રૂઝમાં 286.4 મિ.મી. વરસાદ થયો. આ મુંબઇના ઇતિહાસમાં 1 દિવસમાં ચોથો સર્વાધિક વરસાદ છે.

1974થી અત્યાર સુધીના આંકડા મુજબ 1981ની 23 સપ્ટેમ્બરે 24 કલાકમાં 318.2 મિ.મી., 1993ની 23 સપ્ટેમ્બરે 312.4 મિ.મી. વરસાદ થયો હતો. મધ્યપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો. ઉત્તરપ્રદેશના ચિત્રકૂટના કર્વીમાં 170 મિ.મી. વરસાદ થયો.

મુંબઇમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ આ ચોમાસામાં એક દિવસમાં સૌથી વધુ છે. તેના પગલે રસ્તા, રેલવે ટ્રેક અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા. લાંબા અંતરની ઘણી ટ્રેનો રદ કરવી પડી, સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી દેવાઇ. હાઇકોર્ટ અને સેશન્સ કોર્ટમાં પણ કામકાજ ન થયું. અગ્રીપાડા વિસ્તારમાં એક બિલ્ડિંગની લિફ્ટમાં વરસાદી પાણીમાં ફસાયેલા 2 ગાર્ડનાં મોત થયાં. મુંબઇ, થાણે અને પાલઘર જિલ્લામાં એનડીઆરએફની ટીમોને એલર્ટ રખાઇ છે.

ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું

હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. મહારાષ્ટ્રના મુંબઇ, થાણે, રાયગઢ અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ, પ.બંગાળના દાર્જિલિંગ, કલિમપોંગ, જલપાઇગુડી, અલીપુરદ્વાર અને કૂચબિહારજિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આસામ અને મેઘાલયના અમુક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here