રાજસ્થાન : સ્કૂલથી પરત ફરી રહેલા 6 બાળકોને ઈનોવાએ અડફેટે લીધા, 5નાં મોત

0
5

રાજસ્થાનના જાલોર જિલ્લામાં બુધવારે બપોરે અતિ સ્પીડમાં આવતી ઈનોવા કારે 6 બાળકોને કચડી નાંખ્યા છે. આ દુર્ઘટનામાં 5 બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. મૃતકમાં 2 વિદ્યાર્થિની અને 3 વિદ્યાર્થી છે. આ તમામ સ્કૂલથી એક સાથે ચાલીને ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે જ કરડા-રાનીવાડા રોડ પર આ દુર્ઘટના ઘટી. અકસ્માતમાં 2 વિદ્યાર્થીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા જ્યારે 3 બાળકોએ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા. આ તમામ છઠ્ઠાથી દશમા ધોરણમાં ભણતા હતા.

ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે તમામ 6 બાળકો એક સાથે ચાલી રહ્યાં હતા. આ દરમિયાન પાછળથી આવેલી ઈનોવા કારે તેઓને ટક્કર મારી હતી. ઈનોવાની સ્પીડ લગભગ 100 કિમી પ્રતિકલાક રહી હશે. સ્પીડ વધારે હોવાને કારણે ડ્રાઈવર તેના પર કંટ્રોલ રાખી શક્યો ન હતો. કાર રસ્તા પર ઉતરીને ફુટપાથ પર ચાલી રહેલા બાળકોને કચડીને ખેતરમાં ઘુસી ગઈ હતી. કારની ટક્કરના કારણે 2 બાળકો અનેક ફુટ હવામાં ઉછળીને ખેતરમાં પટકાયા હતા.

9માં ધોરણમાં ભણતી બે વિદ્યાર્થિની રમીલા અને રવીનાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

9માં ધોરણમાં ભણતી બે વિદ્યાર્થિની રમીલા અને રવીનાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

બે વિદ્યાર્થિની રમીલા અને રવીનાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બંને 9માં ધોરણમાં ભણતી હતી. સુરેશ, વિક્રમ અને કમલાએ હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા. સુરેશ અને વિક્રમ 9માં ધોરણમાં જ્યારે કમલા 10માં ધોરણમાં ભણતા હતા. 10માં જ ભણતા જ વીણા ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ડ્રાઈવરના સાથીની અટકાયત

મળતી માહિતી મુજબ ઈનોવામાં બે લોકો સવાર હતા. જેમાંથી એકને પોલીસે પકડી લીધો છે. ડ્રાઈવર હજુ પોલીસની પકડથી દૂર છે. તે નજીકના જ કરડા ગામનો રહેવાસી છે અને નશાખોર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એવામાં શંકા છે કે ડ્રાઈવિંગ દરમિયાન પણ તે નશામાં જ હશે.

ઘરે પહોંચે તે પહેલાં જ થયા દુર્ઘટનાનો શિકાર

તમામ બાળકો દાંતવાડાની સરકારી સ્કૂલમાં ભણતા હતા. 4 વાગ્યે સ્કૂલ છુટ્યા બાદ તમામ બાળકો ઘરે જઈ રહ્યાં હતા. આ તમામના ઘર સ્કૂલથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે છે. 15 મિનિટ ચાલ્યા બાદ તેઓ ઘરે પહોંચવાના જ હતા કે રસ્તામાં ઈનોવાએ તેમને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિક્રમને 4 બહેન છે. અકસ્માત પછી ઘટના સ્થળે ગ્રામવાસીઓની ભીડ ભેગી થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here