Thursday, October 28, 2021
Homeરાજકોટ : 24 કલાકમાં 164 નવા કેસ નોંધાયા જયારે કોરોનાથી 9 દર્દીના...
Array

રાજકોટ : 24 કલાકમાં 164 નવા કેસ નોંધાયા જયારે કોરોનાથી 9 દર્દીના મોત

રાજકોટમાં પ્રતિબંધિત હોળી-ધૂળેટી પૂર્ણ થયા બાદ કોરોના વકર્યો છે. દરરોજ 10થી 15 પોઝીટીવ કેસ આવતા હતા. તેની જગ્યાએ રોજ 150થી 200 કેસ આવવા લાગતા મનપા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ અને રસીકરણની કામગીરી વધુ તેજ બનાવી છે. રાજકોટમાં 24 કલાકમાં 164 નવા કેસ નોંધાયા છે જયારે કોરોનાથી 9 દર્દીના મોત નિપજ્યા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. કોરોના કેસની સાથોસાથ આજે રાજકોટમાં મોતમાં પણ વિસ્ફોટ થયો છે. આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજકોટમાં લોકોની સાથે કોરોનાના સકંજામાં હવે ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. હાલ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદાર હિમાંશુ રાવલ અને ધોરાજીના નાયબ મામલતદાર વત્સલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ મામલતદાર હિમાંશુ રાવલ આવતીકાલે નિવૃત થાય તે પહેલાં જ તેઓ કોરોનાની ઝપટે ચડ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કચેરીમાં કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં મહેસુલ વિભાગમાં અંદાજિત 40 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત રાજકોટ આર્યુવૈદિક હોસ્પિટલના HOD અને જાણીતા વૈધરાજ ડો.જયેશ પરમાર પણ તેમના પુત્ર અને પુત્રીનો સાથે કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ પરિવારજનો સાથે હોમ ક્વોરન્ટાઇન થયા છે. હાલ શહેરમાં 913 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે 123 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે કુલ કેસની સંખ્યા 18921 ને પર થઈ ગઈ છે.

રાજકીય આગેવાનો પણ કોરોના સંક્રમિત
રાજકોટમાં સામાન્ય જનતાની સાથે કોરોનાના સકંજામાં હવે રાજકીય આગેવાનો પણ સંક્રમિત થઈ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્રી અમૃતા તથા નીતિનભાઇના પત્નિ વંદનાબેન અને મોટા પુત્ર નિયંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત મનપાના પૂર્વ વિરોધપક્ષ નેતા વશરામ સાગઠિયા કોરોના સંક્રમિત થતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા હતા. આ ઉપરાંત મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ કોરોના સંક્રમિત થતા હોમ ક્વોરન્ટાઇન થયા છે.

તબીબોની રજા રદ કરવા આદેશ
કેસની સંખ્યા વધતા સમરસનું કોવિડ સેન્ટર અને કેન્સર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ફરીથી શરૂ કરી સિવિલના દર્દીઓને શિફ્ટ કરાશે. સમરસમાં 400 બેડની સુવિધા છે. આ ઉપરાંત હાલની સ્થિતિએ તમામ તબીબોની રજા રદ કરી દેવાઈ છે. રાજકોટમાં નવા કેસ આવવાની સ્થિતિ વધી છે પણ તેમાં કેટલો વધારો થયો છે તે જોવા માટે કોરોનાનો ગ્રોથ રેટ કે જેને આરોગ્ય વિભાગ સીડીજીઆર કહે છે તે ચકાસતા બે જ સપ્તાહમાં નવા કેસ આવવાનો દર બમણો થયો હોવાનું સામે આવ્યું છે.

નબળાઈ જોવા મળી, 6 દિવસ સુધી ખોરાક ન લઈ શકાયો – દર્દી
તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો જોવા ન મળ્યા. એક દિવસ ખૂબ જ સખત નબળાઈ અનુભવાઈ. નબળાઈ વધુ હોવાથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આજ દિન સુધી હજુ તાવ, માથું દુખવું કે ઉધરસના એક પણ લક્ષણ જોવા નથી મળ્યા, પરંતુ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે મેં ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું અને પેટનો દુખાવો અસહ્ય થયો. ત્યારબાદ મેં માત્ર લિક્વિડ ફૂડનો જ આગ્રહ રાખ્યો. 6 દિવસ બાદ હું ખોરાક લઈ શક્યો. મારા અનુભવ પરથી હું એવું કહું છું કે, જો કોઇને નબળાઈ અનુભવાય તો તેને અવગણવાને બદલે તુરંત જ ટેસ્ટ કરાવવો જોઇએ. વુહાન પેટર્ન મુજબ તાવ, શરદી, ઉધરસ જોવા મળતા હતા. યુકે સ્ટ્રેનમાં આ બધા લક્ષણો ગાયબ હતા. તેમ નવી સ્ટ્રેનનો ભોગ બનેલ કોરોનાના દર્દી જણાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments