રાજકોટ : હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને અનિલ અંબાણીની કંપનીનું બાંધકામનું ટેન્ડર રદ્દ

0
81

રાજકોટ:શહેરમાં નિર્માણ પામનાર હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને નેશનલ કંપનીનું બાંધકામનું ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે. બાંધકામનું ટેન્ડર અનિલ અંબાણીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અર્નેસ્ટની રકમ ભરી ન શકતા ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના બાંધકામ માટે અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ એ કંપની કામ શરૂ જ નહીં કરી શક્તાં તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરીને હવે નવેસરથી ટેન્ડરિંગ કરવાની નોબત આવી પડી છે. જેના લીધે, એરપોર્ટનું કામ પાછુ ઠેલાયું છે. જેથી હવે આગામી સમયમાં અધિકારી દ્વારા રી-ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને હજુ 10 એકરથી વધુ જમીન સોંપવાની બાકી
વિધાનસભાની ચૂંટણી વખતે ઓક્ટોબર-2017માં પીએમ મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યુ તેના 21 મહિના વીતી ગયા છતાં કામ ચાલુ નહીં થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. તેમાં હવે એક ચર્ચા એવી પણ ઉઠી છે કે ફ્લાઈટનાં લેન્ડિંગ પથમાં જ ચોટીલા ડુંગરની ઉંચાઈ નડતી હોવાથી મોટી અવઢવ ઉભી થઈ છે! જો કે સત્તાવર વર્તુળોએ એનો ઈન્કાર કર્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને હજુ 10 એકરથી વધુ જમીન સોંપવાની બાકી છે એ પણ કામ શરૂ થવામાં વિલંબનું એક કારણ જ છે.

અનિલ અંબાણીની કંપની કામ શરૂ જ ન કરી શકી
હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાઈટના એરફિલ્ડ ગ્રાઉન્ડ લેવલિંગથી માંડીને કમ્પાઉન્ડ વોલ, રન-વે સ્ટ્રિપ, ટ્રેનિંગ પેડ્સ, ટેક્સીવેથ્ઝ, એપ્રન સહિતના બાંધકામનો કોન્ટ્રાક્ટ જ જૂલાઈના પ્રથમ સપ્તાહમાં રદ્દ કરવાની એરપોર્ટ ઓથોરિટીને ફરજ પડી છે. પ્રથમ તબક્કામાં 900 કરોડનું કામ થવાનું છે. આ માટે એફકોન્સ, દિલીપ બિલ્ડકોન, ગાયત્રી પ્રોજેક્ટ્સ, લારસન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે કંપનીઓ પૈકી રિલાયન્સનું ટેન્ડર સૌથી નીચું જણાતા ગત માર્ચમાં તેને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને ત્યારે એવી શરત મૂકવામાં આવી હતી કે 30 મહિનામાં કામ પૂરું કરી નાખવું. જો કે, નાણાંકીય કટોકટીમાં આવી પડેલી અનિલ અંબાણીની કંપની કામ શરૂ કરી શકી નહતી., એટલું જ નહિં, અર્નેસ્ટ મની ડિપોઝીટ પણ ભરપાઈ કરી શકી નહતી.

હિરાસર એરપોર્ટની કાગળ પરની તારીખો

  • મે-2017માં હિરાસર સાઈટને કેન્દ્ર સરકારની મંજૂરી
  • 07-10-2017: વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત
  • 10-10-2017: પ્રોજેક્ટને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી
  • 09-08-2018: ફાયનાન્સિયલ બીડ ખૂલ્યા, રિલાયન્સ ઈન્ફ્રા.નું ટેન્ડર લોએસ્ટ
  • 28-02-2019: પ્રોજેક્ટને નાણાંકીય બાબતોની કેબિનેટ કમિટી દ્વારા મંજૂરીની મહોર
  • માર્ચ-2019: રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્ટ્રક્શન(ઈ.પી.સી.) કોન્ટ્રાક્ટ

આવું હશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ

  • એરબસ-A320 પ્રકારનાં એરક્રાફટ ઉતરી શકે તેવો રન-વે
  • રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ
  • સોલાર પાવર સિસ્ટમ
  • નોઈસ બેરીયર માટે એરપોર્ટ પેરીફેરીમાં ગ્રીન બેલ્ટ
  • હાલના એરપોર્ટ પર વાર્ષિક 4.11 લાખ મુસાફરોની આવજા રહે છે, તે સામે હિરાસરમાં 6.5 લાખ પેસેન્જર માટે સવલત

પ્રસ્તાવિત એરપોર્ટની આંકડાકીય ઝલક

  • 1405 એકર જમીન પર આકાર લેશે
  • 1085 હેક્ટર જરૂરી જમીન પૈકી 295 હેક્ટર પ્રારંભિક તબક્કે જ ફાળવી દેવાઈ હતી
  • 797 કરોડ બાંધકામ ખર્ચ થવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો અંદાજ હતો
  • 648 કરોડનો કોન્ટ્રાક્ટ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપાયો હતો
  • 30 મહિનામાં બાંધકામ પૂરૂં કરી દેવાની ટેન્ડરમાં શરત હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here