રાજકોટ: 3 ભાઈ-બહેન અત્યારે કૌતુકથી બધું જોતાં સંસ્મરણો વાગોળે છે, ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતો ભાવેશ ફરી 10 વર્ષે શેરીમાં ક્રિકેટ રમ્યો!

0
0

રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી નં.10માં છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા 3 ભાઈ-બહેનને સાથી સેવા સંસ્થાએ મુક્ત કરાવ્યા છે. આ ત્રણેય ભાઈ-બહેનના પિતાનું એક જ રટણ છે કે, કોઈએ મારા સંતાનો પર મેલી વિદ્યા કરી છે. પરંતુ સામાજિક સંસ્થાને પાડોશીમાંથી જાણ થતા તેને મુક્ત કરાવી સારવાર આપવાનું શરૂ કર્યુ છે. સામાજિક સંસ્થાના જલ્પાબેન પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણેય ભાઈ-બહેનમાં અંબરીશ નામના દિકરાના વર્ષોથી બેવડા વળી ગયેલા પગ ખુલતા નથી. આથી સિટી સ્કેન થતો નથી અને ડોક્ટરે સલાહ આપી છે કે, 6થી 8 કલાક ભૂખ્યા રાખો પછી રિપોર્ટ થશે. સૌથી નાનો ભાઈ ભાવેશ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતો હતો અને આજે ફરી 10 વર્ષ બાદ શેરીમાં ક્રિકેટ રમ્યો હતો.

સાથી સેવા ગ્રુપની ટીમ આજે ત્રણેય ભાઈ-બહેન પાસે પહોંચી હતી

સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ સહિત ટીમ આજે ત્રણેય ભાઈ-બહેનની મુલાકાત માટે પહોંચી હતી. ત્રણેય ભાઈ-બહેન સાથે જૂની વાતો યાદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સૌથી નાના ભાઈ ભાવેશ સાથે શેરીમાં ક્રિકેટની રમત પણ રમ્યા હતા. તેમજ ભાવેશના મિત્રોને યાદ કરી વાતો કરી હતી. ભાવેશે ક્રિકેટ રમી જૂની યાદો તાજી કરી હતી. બેટિંગ અને બોલિંગ કરી ભાવેશ ખુશખુશાલ બની ગયો હતો.

સ્થિતિ સુધારા પર, ભાવેશે જૂના મિત્રોને મળી યાદો વાગોળી

જલ્પાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નવીનભાઈ મહેતાના બે પુત્ર અંબરીશ અને ભાવેશ તેમજ દીકરી મેઘા છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા હતા. ત્રણેયની સ્થિતિ હાલ સુધારા પર છે. ભાવેશ તો આજે તેના જૂના મિત્રોને પણ મળ્યો હતો અને જૂની યાદો વાગોળી હતી. ભાવેશની સામાન્ય સ્થિતિ હતી ત્યારે તે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. હાલ ત્રણેય ભાઈ-બહેનને કિસાનપરાના મકાનમાંથી તેમના ફઈબાના ઘરે ખસેડવામાં આવ્યા છે.

સ્ક્રીનઝોફેનિયા રોગ હોય તેવી શક્યતા

સેવાભાવી સંસ્થા અને સમાજ સુરક્ષા સાથે મળી ત્રણેય ભાઈ-બહેનની સારવાર કરાવી રહ્યા છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટીએ ત્રણેયના વર્તન અને પરિસ્થિતિ જોતા સ્ક્રીનઝોફેનિયાનો રોગ હોય તેવું લાગી રહ્યું છે. આ રોગનો હુમલો આવે એટલે દર્દીની હાલત બગડે છે અને દર્દી હિંસક પ્રકારનું વલણ પણ અપનાવી શકે છે. ભાવાત્મક આવેગ પર જ્યારે નિયંત્રણ ન રહે ત્યારે આવા પ્રકારના રોગનો શિકાર દર્દી બનતો હોય છે. પરિસ્થિતિ જોઈ આવા રોગ માટે દવા અને ઈન્જેક્શન સિવાય કાઉન્સેલિંગ અને જરૂર પડ્યે ઇલેક્ટ્રિક શોક દેવા સુધીની સારવાર થતી હોય છે.

મોટો ભાઈ LLB, બહેન એમ.એ. વિથ સાયકોલોજી અને નાનો ભાઈ બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ

ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે તેમજ તે વકીલાત પણ કરતો હતો. બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે, સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો. જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેયે પર કોઈએ મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હોય એવું લાગે છે તેવો પિતા નવીનભાઈએ આક્ષેપ કર્યો છે.

માતાના અવસાન પછી ત્રણેય ભાઈ-બહેનની હાલત બગડી

પિતા નવીનભાઈએ જણાવ્યું હતું કે 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી. મારા નાના દીકરા ભાવેશમાં અઘોરીની અસર છે, આથી નિકાવા પાસે એક જગ્યામાં જોવડાવાનું કાર્ય ચાલુ છે. વર્ષો સુધી દવા અને દુવા બંને કરીએ છે. રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ મોટું નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય એ માટે જોવડાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોને ક્યારેય પણ સારું નથી થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here