આરોગ્યનું ચેકિંગ : રાજકોટની સ્ટર્લિંગ, મધુરમ સહિત 15થી વધુ હોસ્પિટલમાં મળ્યા મચ્છરોના લારવા, 54 હજારનો દંડ

0
51

રાજકોટ: રાજકોટની નામાંકિત હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવા તોતિંગ બિલ ચૂકવાતા હોય છે. પરંતુ હોસ્પિટલો જ ખુદ માંદગીના બિછાને હોય અને ત્યાંથી રોગ મળતા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગમાં વધારો થતો હોય છે. ત્યારે આજે કોર્પોરેશનની આરોગ્યની ટીમે વિવિધ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સ્ટર્લિંગ, મધુરમ સહિત 91 જેટલી નાની મોટી હોસ્પિટલમાંથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 15થી વધુ હોસ્પિટલમાં મચ્છરજન્ય લારવા મળી આવ્યા હતા. જેને લઇ વિવિધ હોસ્પિટલનો થઇ કુલ 54 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

છેલ્લા 2 દિવસમાં 91 હોસ્પિટલોમાં મનપાના દરોડા

મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 91 હોસ્પિટલોમાં સુશોભન માટે રાખેલા ફુવારા, અગાશી, હોસ્પિટલના છજા, વરસાદી પાણી, ભંગાર, પક્ષીકુંજ, એરકંડીશન, હોસ્પિટલનું સેલર, પાર્કિંગ પ્લેસ સહિતના સ્થળોએ ચેકિંગ કરતાં 15થી વધુ હોસ્પિટલોમાં ડેંગ્યુ ફેલાવતાં એડીસ ઈજિપ્તી મચ્છરની ઉત્પતિ જોવા મળી હતી. અમુક હોસ્પિટલોમાં મચ્છરના ઝુંડ જોવા મળ્યા હતાં. તો અમુક સ્થળોએ મચ્છરના પોરાનું બ્રિડિંગ જોવા મળ્યું હતું.

તમામ પાસેથી મળી કુલ 54000નો ચાર્જ વસૂલવામાં આવ્યો

150 ફૂટ રિંગરોડ પરની સ્ટલિંગ હોસ્પિટલ, જી.ટી.શેઠ હોસ્પિટલ, બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ, ખોડિયાર ડાયોગ્નોસીસ-સંતકબીર રોડ, મધુરમ હોસ્પિટલ-રણછોડનગર, આસ્થા હોસ્પિટલ-મવડી ચોકડી, લોટસ હોસ્પિટલ-કોઠારિયા મેઈન રોડ, ખુશી આઈ હોસ્પિટલ-કોઠારિયા મેઈન રોડ, દેવર્ષિયા હોસ્પિટલ-રણછોડનગર, ગોકુલ હોસ્પિટલ-કુવાડવા રોડ, મેઘાણી હોસ્પિટલ-કોઠારિયા રોડ, ઓલમ્પસ હોસ્પિટલ-મનહર પ્લોટ મેઈન રોડ, સંજય ત્રિવેદીની હોસ્પિટલ-કરણપરા, અમત્ર્ય સ્પર્મ બેન્ક-કનક રોડ, જેનેસીસ હોસ્પિટલ-રૈયા રોડ, ડો.સંદીપ પાલાની હોસ્પિટલ-હનુમાન મઢી ચોક, રૈયા રોડ, સ્વામીનારાયણ ગુરુકુળની હોસ્પિટલ-ગોંડલ રોડ, શિવાની હોસ્પિટલ-ઢેબર રોડ સહિતની હોસ્પિટલો તેમજ પીડીયુ મેડિકલ કોલેજના કેમ્પસમાં ચાલતી બાંધકામ સાઈટના સ્થળ સહિત 15થી વધુ સ્થળોએથી મચ્છરની ઉત્પતિ જોવા મળી હતી તે બદલ તમામ પાસેથી મળી કુલ 54000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ હોસ્પિટલોમાં ચેકિંગ ચાલું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here