રાજકોટ : સિવિલ બહાર રિક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે દર્દી જોવા મળ્યાં

0
0

રાજકોટમાં રોજેરોજ કોરોનાના કેસ સાથે સ્થિતિ એ હદે વણસી રહી છે કે હવે તો નવા દર્દીઓને દાખલ થવા માટે એમ્બ્યુલન્સમાં જ રહી ત્રણથી ચાર કલાક હોસ્પિટલની બહાર રહેવું પડે છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલની બહાર રિક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે દર્દી જોવા મળ્યાં હતા. આ અંગે પરિવારજન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, એક કલાકથી લાઈનમાં ઉભા છીએ. જો કંઈ થશે તો જવાબદારી કોની? ઉલ્લેખનીય છે કે એમ્બ્યુલન્સ લાઈનમાં હોવાથી અન્ય કોઈ પણ સમયસર જઈ નથી શકતા. તો ઘરે પણ અનેક દર્દીઓ એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા છે. રાજકોટના લોકો કહી રહ્યા છે કે, ભગવાન અમે હવે તારા ભરોસે છીએ અમને બચાવી લે.

રોજ એમ્બ્યુલન્સની લાઈનમાં બેથી ત્રણ કલાકનું વેઈટિંગ
રોજ રોજ એમ્બ્યુલન્સની લાઈનમાં બેથી ત્રણ કલાકનું વેઈટિંગ હોય છે. દર્દીઓની સારવાર 108માં જ કરવી પડી રહી છે, જેમાં ઓક્સિજન ખૂટી જતાં દર્દીઓ મોતને ભેટે છે. આવા સમયે તંત્રનું એક માણસ કે નેતાઓ મદદ માટે કેમ દોડી આવતા નથી. એ પણ એક મોટો સવાલ છે જ. નવી હોસ્પિટલ, નવી એમ્બ્યુલન્સ, સ્મશાનની વ્યવસ્થા કરવાનો આદેશ જિલ્લા કલેક્ટર આપે છે અને અમલ મનપા કમિશનરે કરવાનો હોય છે, પરંતુ એમાં પણ ક્યાંકને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.

દર્દી રિક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે દર્દી જોવા મળ્યાં
રિક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે દર્દી જોવા મળ્યાં

માત્ર 15 દિવસમાં 168 ટન લાકડાં વપરાયા, ભઠ્ઠીઓ બગડી
શહેરના મુખ્ય ચાર સ્મશાનમાં માત્ર 15 જ દિવસમાં અંતિમવિધિ માટે 168 ટન લાકડાં વપરાય ચૂક્યા છે. દરેક સ્મશાનમાં એક ટ્રક લાકડાં માંડ બે દિવસ ચાલે છે. અત્યાર સુધીમાં 9 લાખ રૂપિયા માત્ર લાકડાં પાછળ ખર્ચાયા છે. જોકે હવે લાકડાંની જવાબદારી મનપાએ ઉપાડી છે. બીજી તરફ સ્મશાનોની ઈલેક્ટ્રિક ભઠ્ઠીઓ બગડી રહી છે. રામનાથપરામાં મશીન ખોટવાતા કામ અટકી ગયું હતું. ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા જણાવે છે કે, સ્મશાનમાં ઈલેક્ટ્રિક ભઠ્ઠી બગડી છે અને અંતિમવિધિ માટે માણસો પણ નથી મળતા જો માણસો જ નહિ આવે તો નાછૂટકે અંતિમવિધિ જ બંધ કરવી પડશે

આ સ્થિતિનો અંત ક્યારે.
આ સ્થિતિનો અંત ક્યારે.

દવાથી માંડી બેડની અછત, વધે છે તો માત્ર કેસ અને મૃતાંક
રાજકોટમાં કોરોનાના દૈનિક કેસ દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતાં; એની અછત છે, એમ્બ્યુલન્સની અછત છે, ઈન્જેક્શનની અછત છે, કોરોનાને લગતી દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત છે, સ્મશાનની અછત છે. મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી. આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડે છે.

ઓક્સિજનના બાટલા મેળવવા લોકોની પડાપડી થાય છે.
ઓક્સિજનના બાટલા મેળવવા લોકોની પડાપડી થાય છે.

અંતિમક્રિયા કરતા કર્મચારીઓ પોઝિટિવ, બેડ પણ માંડ મળ્યાં
રામનાથપરા સ્મશાનગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટીન કરાયા છે. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા, એ પણ જતા રહેતાં મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો, પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતાં એક જ રાતમાં ચાલ્યા ગયા હતા, જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ, અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે. એક કર્મચારીનું ઓક્સિજન ઘટતાં સંચાલકોએ ભલામણ કરતાં પણ બેડ ન મળતાં સિવિલ હોસ્પિટલ મોકલવા પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here