રાજકોટ : સ્વિમિંગ પુલમાં ન્હાવા પડેલા સાત વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

0
0

રાજકોટ-જામનગર રોડ પર આવેલા ગ્રીનલીફ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ન્હાવા પડેલા સાત વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો છે. ગઇકાલે બપોરના સમયે બાળક ડૂબી જતાં તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં બાળકે દમ તોડી દીધો હોવાનું હોસ્પિટલમાં હાજર તબીબે જણાવ્યું હતું.

પિતા સાયકલ એજન્સીની દુકાનમાં નોકરી કરે છે
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટનાં બેડીપરા વિસ્તારમાં સિતારામ રોડ બાલાજી ટાવર પાસે રહેતા બુહાનુદ્દીન મુરતુઝાભાઇ જેતપુરવાળા નામનો 7 વર્ષનો બાળક તેમના પરિવાર સાથે રવિવારની રજા માણવા માટે જામનગર રોડ પર આવેલા ગ્રીનલીફ રિસોર્ટમાં ગયો હતો. ત્યારે રમતા-રમતા અચાનક સ્વિમિંગ પુલમાં પડી જતાં અને ડૂબી જતાં તેને ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. બુરહાનુદ્દીનના પિતા સાયકલ એજન્સીની દુકાનમાં નોકરી કરે છે. મૃતક બે ભાઇમાં મોટો હતો અને ધો.1માં અભ્યાસ કરતો હતો.

પરિવારજનો જમતા હતા ત્યારે બાળક ન્હાવા પડ્યું
આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ સાજીદ ખેરાણી અને રાઇટર અનુજભાઇ ડાંગરે કાગળો કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બુરહાનુદ્દીનના ફુઆ જે કુતિયાણા રહેતા હોય તેઓ રવિવારની રજા માણવા પરિવાર સાથે રાજકોટનાં ગ્રીનલીફમાં આવ્યા હતા. ત્યારે બુરહાનુદ્દીનને તેના પિતા ગઇકાલે સવારે ફૂઆ પાસે મૂકી ગયા હતા અને સાંજે લેવા આવવાના હતાં. ફૂઆ અને પરિવારજનો જમતા હતા ત્યારે બુરહાનુદ્દીન સ્વિમિંગ પુલમાં ન્હાવા જતો રહ્યો હતો અને ડૂબી જતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here