રાજકોટ : ટ્રાન્સવુમનનું અપહરણ બાદ કિન્નરોએ અર્ધનગ્ન કરી વીડિયો બનાવ્યો

0
7

 

કિન્નરની આંખમાંથી આંસુ સરી પડતાં લાગણીસભર દૃશ્યો જોવા મળ્યાં.

શહેરના ગોકુલધામ વિસ્તારમાં રહેતી ટ્રાન્સવુમનનું કિન્નરોએ અપહરણ કરી તેનો વીડિયો ઉતારી લીધાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંતે કિન્નરોએ માફી માગી લેતાં ફરિયાદ પાછી ખેંચી લેવાની તજવીજ શરૂ કરી છે. કિન્નરોએ માફી માગી કહ્યું હતું કે આ અંગે અમને ગેરસમજ થઇ હતી, આથી અમે પાયલ પાસે માફી માગીએ છીએ અને ભવિષ્યમાં આવી ગેરસમજ ઊભી ન થાય એ માટે તમામ કિન્નરો ધ્યાન રાખશે. ટ્રાન્સવુમન પાયલ અને કિન્નરોએ એકબીજાને વહાલથી ગળે મળી ભેટી પડ્યા હતા. આ સમયે લાગણીસભર દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સમગ્ર વિવાદ આ રીતે બહાર આવ્યો હતો
શહેરમાં રહેતી પાયલ રાઠવા નામની ટ્રાન્સવુમન ગત 12 ફેબ્રુઆરીના પોતાના ઘરે હતી ત્યારે કેટલાક શખસો ત્યાં પહોંચ્યા હતા અને રિક્ષામાં બેસાડી ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટલ નજીક લઇ ગયા હતા, એ સ્થળે અગાઉથી હાજર પીનલ દે, અંજલિ દે, ગોપી દે, નિકિતા દે અને ભાવિકા દે સહિતનાઓએ પાયલને મારકૂટ કરી તેણે પહેરેલી સાડી સહિતના કપડાંઓ ઊંચા કરી પાયલનો વીડિયો ઉતારી લીધો હતો અને એ વાઇરલ કરી દીધો હતો. ફરીથી પાંચેક દિવસ પછી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પણ બંને પક્ષ સામસામે આવી ગયા હતા અને માહોલ ગરમાયો હતો. પાયલ રાઠવાની ફરિયાદ પરથી કિન્નરો સામે ગુનો નોંધાયો હતો અને SPને તપાસ સોંપવામાં આવી હતી.

શહેરમાં ચર્ચાસ્પદ બનેલા વિવાદનો નાટકીય અંત
બુધવારે આ મામલાનો નાટકીય અંત આવ્યો હતો. કિન્નરોએ ટ્રાન્સવુમન પાયલ રાઠવાની માફી માગી હતી. તો સામા પક્ષે પાયલે પણ તેણે નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. પાયલનો વાઇરલ કરેલો વીડિયો નેસ્તનાબૂદ કરવાની કિન્નરોએ ખાતરી આપી હતી. ભવિષ્યમાં કોઇ પુરુષ કે કોઇ સ્ત્રીનાં કપડાં પહેરીને ભિક્ષાવૃત્તિ કરતા નજરમાં આવે તો પોલીસની મદદ લઇ કાયદેસરની કાર્યવાહી કરવી એવો નિર્ધાર કરાયો હતો.

કિન્નર અને ટ્રાન્સવુમન પાયલ એકબીજાને ભેટી પડ્યા.
કિન્નર અને ટ્રાન્સવુમન પાયલ એકબીજાને ભેટી પડ્યા.

પાયલનો પ્રાઇવેટ પાર્ટ બતાવી કિન્નરોએ વીડિયો બનાવ્યો હતો
ટ્રાન્સજેન્ડર પાયલ રાઠવાનો વાઇરલ થયેલો વીડિયો શહેર સહિત રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં કિન્નરોએ મહિલાનાં વેશમાં ફરતી ટ્રાન્સજેન્ડર પાયલનો પ્રાઇવેટ પાર્ટ બતાવી તે કિન્નર નહીં હોવા છતાં કિન્નર તરીકે ફરી પોતાને બદનામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે આ મામલે અંતે સમાધાન થઈ ગયું છે. પાયલ રાઠવા સાથેનો ઝગડો એક ગેરસમજને કારણે થયો હોવાનું કિન્નર સમાજના મિરાદે કંચનદે ઉર્ફે ફટકડીએ સ્વીકાર્યું છે તેમજ કિન્નર સમાજ વતી પાયલ રાઠવા સાથે જે પણ થયું એ બાબતે માફી માગી છે.

કિન્નરે કહ્યું-ગેરસમજસ ઊભી થઈ હતી એ હવે દૂર થઈ.
કિન્નરે કહ્યું-ગેરસમજસ ઊભી થઈ હતી એ હવે દૂર થઈ.

પાયલ એન્જિનિયરિંગની વિદ્યાર્થિની છે
આ ઘટનાનો ભોગ બનેલી મેહત્પલ ઉર્ફે ‘પાયલ’ સુરેન્દ્રનગરની વતની છે અને હાલ રાજકોટમાં રહી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ફાઇન આર્ટ્સની વિદ્યાર્થિની હોવાથી તે પેઇન્ટિંગ બનાવવાની સાથે ભરત નાટ્યમની કલાકાર છે. પોતાની કલાના માધ્યમથી તે પોતાનો ખર્ચ ઉપાડીને ઘર ચલાવી રહી છે, સાથોસાથ સમાજમાં તેના જેવા ટ્રાન્સવુમન લોકોને જાગ્રત કરવા માટે એક સોસાયટી પણ ચલાવી રહી છે.

માર મારીને અર્ધનગ્ન વીડિયો બનાવ્યો હતોઃ પાયલ
આ અંગે પાયલે જણાવ્યું હતું કે આ મિશન દરમિયાન એક ગેંગ તેની સોસાયટીમાં આવે એ વાત કિન્નર જૂથને ગળે ઊતરી નહોતી. એનો ખાર રાખીને તેઓ પાયલના ઘરે પહોંચ્યા હતા અને તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાયલને ગોંડલ રોડ પર આવેલી સૂર્યકાંત હોટલ નજીક લઈ જવામાં આવી હતી. આ કિન્નર જૂથે પાયલને માર મારીને તેનો અર્ધનગ્ન વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો કિન્નરના ગ્રુપમાં વાઇરલ પણ કર્યો હતો. બાદમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં વિવાદ શરૂ થયો હતો.

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો થયો હતો
ઘટનાને પગલે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જ્યાં પણ કિન્નરોએ પાયલને લઈ પોતે બદનામ થતા હોવાના આક્ષેપ સાથે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે કિન્નરના ગાદીપતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યાના આક્ષેપ સાથે પાયલની માફી માટે માગ કરી હતી. આ તકે કેટલાક કિન્નર તો વસ્ત્રો વિના જ જોવા મળ્યા હતા. જોકે આ સમયે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો, પણ ફરીવાર પણ અમારું કોઈ નથી, અમને સાથ આપોના નારા સાથે કિન્નરોએ બીજા દિવસે પણ હોબાળો કર્યો હતો અને પાયલની માફીની માગ કરી હતી, પરંતુ આ મુદ્દે પાયલે માફી માગવાનો ઇન્કાર કર્યો હતો. અંતે આજે બંને પક્ષે સમાધાન થયું છે.

કિન્નરોએ પાયલ સાથે સમાધાન કર્યું.
કિન્નરોએ પાયલ સાથે સમાધાન કર્યું.

કાયદાકીય કાર્યવાહી બાદ સમાધાન ગણાશે: SP
SP પટેલે જણાવ્યું હતું કે ટ્રાન્સવુમન પાયલે કિન્નરો સામે ફરિયાદ નોંધાવી હતી અને તે મામલાની તપાસ ચાલી રહી છે, બંને પક્ષે સમાધાન થઇ ગયાની મૌખિક અને લેખિત જાણ બંને પક્ષે કરી છે, પરંતુ FIR નોંધાઇ હોવાથી બંને પક્ષે કોર્ટમાં સમાધાનની કાર્યવાહી કરવી પડશે અને કોર્ટનો હુકમ મળે તો જ એ માન્ય કાર્યવાહી ગણવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here