રાજકોટ : મ્યુકોરમાઇકોસિસની સાથે સાથે હવે ગેંગરીનના કેસોની સંખ્યામાં પણ વધારો, પગ કાપવાની નોબત આવે છે

0
4

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારી સમાપ્ત નથી થઈ ત્યાં મ્યુકોરમાઇકોસિસની મહામારીએ અજગર ભરડો લીધો છે. ત્યાં બીજી બાજુ મ્યુકોરમાઇકોસિસની સાથે સાથે હવે ગેંગરીનના કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે ગેંગરીન રોગના નિષ્ણાત ડો. વિભાકર વચ્છરાજાનીએ વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેર બાદ ગેંગરીનના કેસમાં 5થી 7 ટકાનો ઉછાળો આવ્યો હોય એવું તબીબો માની રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ડી-ડાઇમરનું પ્રમાણ વધતાં આ રોગ ભરડો લેવાનું શરૂ કરે છે, જેમાં ઘણા કેસમાં દર્દીના પગ પણ કાપવાની નોબત આવે છે.

પ્રથમ લહેરમાં ગેંગરીનના દર્દીઓની સંખ્યા ઓછી હતી

રાજકોટમાં છેલ્લાં 25 વર્ષથી ડાયાબિટીસ અને પગના રોગોની સારવાર કરતા તેમજ ગેંગરીન રોગના નિષ્ણાત ડો. વિભાકર વચ્છરાજાનીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ 25 વર્ષમાં ક્યારેય પણ નથી જોયા તેવા ગેંગરીનના કેસ આ કોરોનાની બીજી લહેર બાદ જોયા છે. પ્રથમ લહેરમાં ગેંગરીનના દર્દીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ આ બીજી ઘાતક લહેર બાદ આ કેસની સંખ્યા 5 ગણી વધી હોય એવું લાગી રહ્યું છે. અને આ પરિસ્થિતિમાં દર્દીના પગ કાપવા સિવાય કોઇ વિકલ્પ નથી રહેતો. ત્યારે રોજના એકથી બે ઓપરેશન કરી દર્દીના પગ કાપી સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટમાં એક મહિનામાં લગભગ 70થી વધુ કેસ નોંધાયા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં માત્ર તેમની એક પાસે રોજના એક નવા દર્દી ગેંગરીનની સારવાર માટે આવી રહ્યા છે. રાજકોટ આખામાં મહિનામાં લગભગ 70થી વધુ કેસ ગેંગરીનના નોંધાતા હશે. ગેંગરીન થવાનું મુખ્ય કારણ છે કે કોરોનામાં ડી-ડાઇમરનું પ્રમાણ વધી જવાથી કોરોના નેગેટિવ થયા બાદ આ ડી-ડાઇમર વધવું એટલે કે લોહીના ગઠ્ઠા પગના ભાગમાં જામી જવાથી ગેંગરીન થાય છે અને તેનું ઓપરેશન કરી પગ કાપવો પડે એવી સ્થિતિ સર્જાઇ છે.

5 દિવસમાં 10 દર્દીનાં ઓપરેશન કરી પગ કાપવા પડ્યા

ડો. વચ્છરાજાની દ્વારા છેલ્લા 15 દિવસમાં 10 દર્દીનાં ઓપરેશન કરી પગ કાપવા પડ્યા છે. કોરોના બાદ કેટલાક દર્દીને ડોક્ટર દ્વારા લોહી પાતળું કરવા દવા આપવામાં આવતી હોય છે, જે નિયમિત લેવી જરૂરી હોય છે, જો નિયમિત દવા ન લે તો ગેંગરીન થવાની પૂરી શક્યતા રહે છે. આ દરમિયાન લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તબીબોની સલાહ મુજબ દવા લેવી અને કાળજી રાખવી અગત્યની છે.

સ્ટિરોઇડ આપવામાં આવ્યું હોય તેવા દર્દીને ગેંગરીન થવાના ચાન્સ વધુ

ડાયાબિટીસના દર્દીઓ, બીડી સિગારેટનું વધુ પ્રમાણમાં સેવન કરતા લોકો, ફેફસાંમાં લોહીના ગઠ્ઠા જામી જતા હોય તેવા દર્દીઓ તેમજ માનસિક તણાવ તેમજ હાર્ટ-અટેકથી પીડાતા દર્દીઓને મુખ્યત્વે આ રોગ જલદી અસર કરતો હોવાનું ડો. વચ્છરાજાનીએ જણાવ્યું હતું. કોરોનાની સારવાર દરમિયાન વધુ પ્રમાણમાં સ્ટિરોઇડ આપવામાં આવ્યું હોય તો તેવા દર્દીને ગેંગરીન થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ગેંગરીનની પગથી શરૂઆત થાય છે.
ગેંગરીનની પગથી શરૂઆત થાય છે.

લક્ષણો…

હાથ-પગની આંગળી કે અંગૂઠામાં અસહ્ય દુખાવો થવો

દુખાવા બાદ અંગમાં વિચિત્ર પ્રકારની ઝણઝણાટી થવી

અંગમાં સોઇ ભરાવવામાં આવતી હોય એવો અહેસાસ થવો

પલ્સલેસનેસ

આંગળી કે અંગૂઠાનો રંગ બદલાયને સફેદ અથવા વાદળી થઈ જવો

પગના ભાગે આ રોગ વધુ પ્રમાણમાં અસર કરતો જોવા મળે છે, જેમાં શરૂઆત આંગળીથી થાય છે અને યોગ્ય સારવાર ન મળે તો એ આગળ વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here