રાજકોટ : રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ઊભરાતી ભીડના ચહેરા પર પોતાના વતનમાં પહોંચી જવાની ચિંતા

0
0

કોરોનાએ રાજકોટને ભરડો લીધો છે, વ્યવસ્થાઓ હવે તૂટી રહી છે, હોસ્પિટલમાં બેડ નથી. એક-એક શ્વાસ માટે દર્દી લડી રહ્યા છે. દર્દ, પીડાની દાસ્તાન શહેરના ચોકે-ચોકે કતારોરૂપે દેખાઇ રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ઊભરાતી ભીડના ચહેરા પર પોતાના વતનમાં પહોંચી જવાની ચિંતા સ્પષ્ટ દેખાઇ છે. તમામ જગ્યાએથી લાઇન ઓછી થતી નથી અને હવે શું કરવું તે તંત્રને સૂઝતું નથી. જાહેર સ્થળે કાં તો લાઇન દેખાય છે કાં તો એકબીજા વ્યક્તિ પૃચ્છા કરતા દેખાય છે ‘બેડ છે, વેન્ટિલેટરનું શું થશે ?, ઓક્સિજન મળશે ?’ ત્યારે બુધવારે રેલવે સ્ટેશન, ચૌધરી હાઇસ્કૂલ અને રૈયા સ્મશાને દિવ્ય ભાસ્કરની ટીમે જે જોયું તેમાં લાચારી, દર્દ, અસહ્ય પીડા અને નિ:સહાયતા હતી. આ ત્રણેય સ્થળોને જો વાચા ફૂટે તો આ ભીષણ સ્થિતિમાં તે શું બોલે અને તેની વ્યથા કેવી હોય તે દિવ્ય ભાસ્કરે અહીં પ્રયોગરૂપે રજૂ કરી છે.

હું રેલવે સ્ટેશન – મજબૂર લોકોની આ દશાથી મારા શ્વાસ રૂંધાય છે

‘રેલવે લાઇન આવ્યા બાદ 1975માં મારી સ્થાપના થઈ અને ત્યારથી જ લોકોના જીવનનો હું હિસ્સો બની ગયો છું. મામાના ઘરે જતા બાળકો અને તેમના માતાનો રાજીપો, લગ્ન પછી પહેલીવખત સજોડે ફરવા જતા નવદંપતીનો રોમાંચ અને વેકેશન કરવા જઈ રહેલા લોકોની યાદો બધાનો સાક્ષી છું. પેટિયું રળવા આવતા પરપ્રાંતીય મજૂરો તહેવારોમાં મોટી સંખ્યામાં વતન જવા નીકળે ત્યારે તેમની આંખોમાં પરિવારને મળવાની ઉત્કંઠા હોય જે જોઈને રાજીપો થાય.પણ હવે આ મજૂરોની સંખ્યા અને કતારો ખૂંચે છે કારણ કે વતન જવા તેમનું મન રાજી નથી પણ કોરોનાનો ડર તેમને મજબૂર કરી રહ્યો છે, મનમાં સંતાપ છે કે કમાણી વગર ઘરે જઇ રહ્યો છું હવે શું કરીશ. દર કલાકે એક મજૂરનો ફોન વાગે ત્યારે તે પરિવારને સાંત્વના આપતો દેખાય કે હવે પછીની ટ્રેનમાં વારો આવશે. ડીઝલ એન્જિનના ધુમાડાના ગોટા હરખભેર સહન કર્યા મજૂરોની આ દશાથી મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે’

હું સ્મશાન – એક-એક ચિતા સળગે અને હું બળીને ખાખ થાવ

‘જ્યારથી રૈયા ગામ વસ્યું ત્યારથી મારું અસ્તિત્વ છે, 2003માં ટ્રસ્ટે મારી સંભાળ લીધી. હું શાંત જ હોઉ છું પણ અત્યારે અંદરથી હચમચી ગયું છું. લોકો સ્વજનને ભારે હૈયે વિદાય આપવા મારી પાસે આવે છે અને તે સ્વજનોને હું પંચમહાભૂતમાં વિલીન કરવા નિમિત્ત બનું છું. દરરોજ એકાદ બે મૃતકોના અંતિમસંસ્કાર થાય અને તે પણ નિયતિ સમજીને જોયા કરું પણ બે દિવસથી મારી પણ કંપારી છૂટી રહી છે. મેં કદી ન જોયા હોય તેટલા મૃતદેહો મારી છાતી પર અંતિમવિધિ માટે રાહ જોઈ રહ્યા છે, ઘણા તો દૂર દૂરથી આવે છે. બીજા સ્મશાનમાં કોરોનાના હતભાગીઓની સંખ્યા વધુ જાય છે પણ મારી પાસે કોવિડ વગરના આવે છે આમ છતાં આટલા મૃતદેહો! એક એક ચિતાની સાથે હું પણ બળીને ખાખ થાવ છું’.

હું ચૌધરી હાઇસ્કૂલ – લાખો લોકોને સમાવ્યા પણ આ કતારથી મારી છાતી દબાય છે

‘દેશ આઝાદ થયો તે પહેલા એટલે કે 1930માં ચૌધરી હાઈસ્કૂલની સ્થાપના થઈ ગઈ હતી અને તેના મેદાન તરીકે હું આખા શહેરમાં મોભાનું સ્થાન ધરાવું છું. બાળકોની રમતોથી મારું મન હંમેશા પ્રફુલ્લિત રહે તેમજ મોટા મોટા મેળાવડા હોય કે પ્રસંગ મારી પાસે આવવું પહેલી પસંદ હોય. અરે કોઇપણ મોટા રાજકીય આગેવાન હોય મારે ત્યાં સભા કરે તો જ શક્તિ પ્રદર્શન ગણાય. આવી ભવ્ય મારી ઓળખ પણ કોરોનાએ મને દુ:ખ દર્દમાં ધકેલી દીધો છે. જે મેદાનમાં બાળકો રમતાં ત્યાં કોરોના દર્દીના સ્વજનો હતાશ થઈને બેઠા છે. મારી છાતી પર જ એમ્બ્યુલન્સની લાંબી કતાર છે જે મને કટારની જેમ ખૂંપી રહી છે. ઈતિહાસમાં લાખો લોકોને સમાવી દીધા છતાં મને ફરક નથી પડ્યો પણ આ કતારના વજનથી મારી છાતી દબાઈ રહી છે’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here