રાજકોટ: દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઇ કારણોસર રવિરાજસિંહે પ્રેમિકા એઅસઆઇને તેની જ સરકારી રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાની થિયરી સામે આવી છે. પરંતુ આ રહસ્યમય મોતના બનાવમાં આજે નવો વળાંક આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. તપાસમાં ક્વાર્ટરમાંથી બીજી એક સરકારી રિવોલ્વર મળી આવતા રહસ્ય વધુ ગુંચવાયું છે. આ રિવોલ્વર બનાવ પહેલા પત્ની સાથે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ખુશ્બુએ અગાઉ એબોર્શન કરાવ્યાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
પોલીસ દ્વારા વિવેકની પણ પૂછપરછ
પોલીસ દ્વારા વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ સત્ય બહાર લાવશે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ કરશે તેવો સવાલ સર્જાયો છે. હાલ આ મુદ્દે પોલીસ મીડિયા સામે મૌન સેવ્યું છે. ખૂની ખેલ ખેલાયો છે એ સરકારી રિવોલ્વર ભોગ બનનાર ખુશ્બુ કાનાબારની હતી અને બીજી રિવોલ્વર મળી છે એ રાતે ઘરે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું ખુલ્યું છે. સરકારી હથિયાર તે ભૂલી ગયા હતા કે ઇરાદાપૂર્વક મૂકી ગયા હતા? એ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. બીજી તરફ ભોગ બનનાર એએસઆઇ ખુશ્બુ કાનાબારે થોડાં સમય પહેલાં એબોર્શન કરાવ્યાની વિગતો સામે આવતા આ કેસમાં નવો વળાંક આવે તેવી સંભાવના પોલીસસૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ખુશ્બુને સરકારી ક્વાર્ટર ફાળવ્યું હતું, છતાં બીજે શું કામ રહેતી?
ASI ખુશ્બુએ થોડાં સમય પહેલાં એબોર્શન કરાવ્યાનો વધુ એક મુદ્દો બહાર આવ્યો છે. મહિલા ASI ખુશ્બુબેનને પોલીસ હાઉસીંગ બોર્ડનું ક્વાર્ટર ઘણા સમય પહેલાં ફાળવી દેવાયું હતું. પરંતુ તે સરકારી ક્વાર્ટરમાં રહેવાના બદલે હાઉસીંગ બોર્ડના અન્ય પોલીસમેમનના ક્વાર્ટરમાં રહેતા હતા. આમ કરવા પાછળનો તેનો ઉદ્દેશ શું હતો? એ મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે.
સીપીનો ASI અને જમાદારોએ રિવોલ્વર ડ્યુટી બાદ ઘરે ન લઇ જવા આદેશ
આ બનાવને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવેથી એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ પોતાની સર્વિસ રિવોલ્વર ડ્યુટી પૂરી થયે ઘરે નહીં લઇ જઇ શકે અને ડ્યુટી પર આવ્યા બાદ ફરીથી સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાંથી મેળવવાની રહેશે તેવો આદેશ કર્યો છે. ખુશ્બુની હત્યા થઇ છે કે પછી આપઘાત કર્યો છે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે તેવું પોલીસે જણાવ્યું છે.
અગાઉ પણ સર્વિસ રિવોલ્વરથી હત્યા અને આત્મહત્યાના બનાવો બન્યા છે
આ ઘટનાએ પોલીસ બેડામાં અરેરાટી સર્જી દીધી છે. આ અગાઉ પણ પોલીસ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કે હત્યા કર્યાની ઘટનાઓ બની ચૂકી છે. તેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી શહેર પોલીસ કમિશનરે તમામ એએસઆઈ અને જમાદારોને નોકરી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જેથી આજ પછી તમામ એએસઆઈ અને જમાદારો ઘરે સર્વિસ રિવોલ્વર નહીં લઈ જઈ શકે અને તેને પોલીસ મથકમાં જમા કરાવ્યા બાદ ડયુટી પર આવી સર્વિસ રિવોલ્વર મેળવી શકશે.
બનાવ હત્યાનો હોવાનો પરિવારનો આક્ષેપ
ખુશ્બુના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખુશ્બુની હત્યા થઇ છે. ખુશ્બુ બહાદૂર હતી અને આપઘાતની થીયરી ખોટી છે. ખુશ્બુના મોતથી પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. તપાસનીશ પીએસઆઈ ડામોરે જણાવ્યું કે ખુશ્બુબેનની સર્વિસ રિવોલરમાંથી ફાયરિંગને કારણે બંનેનાં મોત નીપજ્યા હતાં. બે રાઉન્ડ ફાયરિંગ થયા હતાં. 20 બૂલેટ ઈસ્યુ થયા છે તેમાંથી 18 કાર્ટીસ મળ્યા છે. સ્થિતિ જોતાં રવિરાજસિંહનો મૃતદેહ કબાટનાં ટેકે બેઠેલી હાલતમાં અને તેનાં પગ પાસેથી ખુશ્બુબેનનો મૃતદેહ મળ્યો હતો.