રાજકોટ : પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી કરવામાં આવી, ભુપત બોદર 29 કરોડના આસામી છે

0
6

રાજકોટ જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠકો પર વિજયવાવટો ફરકાવીને ભાજપે બહુમતી હાંસલ કરી લીધી છે. આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી થવાની છે તે પૂર્વે નવા સુકાનીઓના નામો નક્કી કરવા શનિવારે ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં ભાજપના જ બે જુથ વચ્ચે ભારે ખેંચતાણ વચ્ચે પ્રમુખ પદ માટે ભુપત બોદરની પસંદગી કરવામાં આવી હતી. ભુપત બોદર 29 કરોડના આસામી છે.રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ આજે ફોર્મ ભરશે. આજે 11 વાગ્યે સુકાનીઓએ પોતાનું ફોર્મ ભરી અને DDOને સુપ્રત કર્યુ હતું. આવતીકાલે બુધવારે ચૂંટણી યોજવામાં આવશે. ભુપત બોદર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના માનવામાં આવે છે.

સંસદીય બોર્ડ સમક્ષ ભાજપના બે જુથ આમને સામને હતા
સંસદીય બોર્ડ સમક્ષ પ્રમુખપદ માટે ત્રંબાથી ચુંટાયેલા ભુપત બોદર તથા જેતપુરના થાણાગલોલથી ચૂંટાયેલા પી.જી.ક્યાડાના નામ રજુ થયા હતા. બન્નેના નામ પર ભારે ખેંચતાણ હતી. એક જુથ ભુપત બોદરની ખુલ્લેઆમ તરફેણમાં હતું. જ્યારે બીજુ જુથ તેની વિરુદ્ધ જઇને ક્યાડાની તરફેણમાં હતું. સંસદીય બોર્ડની બેઠકમાં બન્ને નામ રજુ થઈ ગયા હતા. સંસદીય બોર્ડ પૂર્ણ થયા પછી પણ રાજકીય ખેલનો સિલસિલો જારી જ રહ્યો હતો. ભૂપત બોદરનાં વિરોધી જુથ દ્વારા જોરદાર ધમપછાડા કરવામાં આવ્યા હતા. એક તબક્કે તેઓ સફળ થઈ ગયાની પણ છાપ ઉપસી હતી. પરંતુ પછી ફરી ચિત્ર પલટાય ગયું હતું અને ભુપત બોદરના નામ પર નેતાગીરીએ મહોર મારી દીધી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપત બોદરને જીતાડવા ત્રંબામાં સભા કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપત બોદરને જીતાડવા ત્રંબામાં સભા કરી હતી.

સિનિયર અને વગદાર આગેવાનો મેદાને આવ્યા હતા
જોકે છેલ્લી ઘડીએ તેમાં બદલાવ કરાવવા માટે એક જુથ મહેનત કરી જ રહ્યું હતું. ભુપત બોદરનાં વિરોધી જુથ દ્વારા તેમનાં ટોચના રાજકીય નેતાઓ સાથેના ધંધાકીય સંબંધો જેવા વ્યકિતગત મુદાઓને પણ આગળ ધરવામાં આવ્યા હતા. પરંતુ રવિવારે ફરી ચિત્ર પલટાય ગયું હતું. રાજ્યના કેટલાંક સિનિયર અને વગદાર આગેવાનો મેદાને આવ્યા હતા. વ્યકિતગત ધંધાકીય સંબંધોને રાજકારણ સાથે નહિં જોડવા નેતાગીરીને સલાહ આપી હતી. શ્રેણીબદ્ધ બેઠકો થઈ હતી. છેવટે ટોચની નેતાગીરીને ગળે પણ વાત ઉતરી ગઈ હતી. બોદરના નામ સામેના વિરોધ પાછળના તર્કબદ્ધ કારણો પણ દર્શાવવામાં આવ્યા હતા તેને પગલે ભુપત બોદરનાં નામ પર આખરી મહોર મારવા ટોચની નેતાગીરી સંમત થઈ હતી. પ્રમુખપદ મામલે શનિ-રવિ ભારે ખેંચતાણ સાથે ખેલ ખેલાયા હતા.

ઉપત બોદર 29 કરોડની સંપત્તિ ધરાવે છે.
ઉપત બોદર 29 કરોડની સંપત્તિ ધરાવે છે.

ઉપપ્રમુખ પદ પર સવિતાબેન મકવાણા
પંચાયતોમાં સુકાનીઓની ચૂંટણી પ્રક્રિયામાં આગલા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાનો નિયમ છે. પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે આજે ફોર્મ ભર્યા હતા. પ્રમુખપદ માટે ભુપત બોદર તથા ઉપપ્રમુખ પદ માટે સવિતાબેન મકવાણાનું અને કારોબારી અધ્યક્ષ તરીકે સહદેવસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પક્ષના નેતા તરીકે વિરલ પનારા અને દંડક તરીકે અલ્પાબેન તોગડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

પડધરી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના દક્ષાબેન ચૌહાણે પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યુ
પડધરી તાલુકા પંચાયતમાં 16માંથી ભાજપને 11 સીટ, કોંગ્રેસને 4 સીટ અને આમ આદમી પાર્ટીના ખાતામાં 1 સીટ ગઇ છે. ભાજપ પાસે બહુમતી હોવા છતાં રોટેશન મુજબ તેમના ઓબીસી મહિલા ઉમેદવાર વિજેતા ન થતાં કોંગ્રેસમાંથી હડમતીયા (જંકશન) સીટ વતી ચૂંટાયેલા દક્ષાબેન પ્રવિણભાઇ ચૌહાણને પ્રમુખ બનાવવા નક્કી થયું છે. પડધરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને કોંગી આગેવાનોની હાજરીમાં દક્ષાબેને આજે ટીડીઓ સમક્ષ પોતાનું ફોર્મ ભર્યુ હતું. ઉપપ્રમુખ તરીકે ભાજપના રાજુભાઇ હકાભાઇ બાંભવા કે જેઓ પડધરી-1 સીટ પર ચૂંટાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here