રાજકોટ : સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીને લઇ ભાજપના યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ, કોરોનાની ગાઇડલાઇનને નેવે મૂકી

0
7

આજે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજી કોરોનાની ગાઇડલાઇનને નેવે મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. કોરોના કાળમાં સભા કે રેલી યોજવા પર પ્રતિબંધ હોવા છતાં યુવા ભાજપે બાઇક રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

રાજકોટના તમામ 18 વોર્ડના ભાજપના યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા

આ બાઇક રેલીમાં રાજકોટના તમામ 18 વોર્ડના ભાજપના યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલીમાં આગળ ખુલ્લી જીપમાં કાર્યકરો સ્વામી વિવેકાનેદની તસવીર સાથે જોવા મળ્યાં હતા. આજે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે જન જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી તમામ વોર્ડ ફેરવવામાં આવી હતી. રેલીમાં સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળ્યો થયો હતો. સામાન્ય લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો પ્રશાસન દ્વારા મસ મોટો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે ભાજપના કાર્યકરો પાસેથી દંડ વસૂલશે કે નહીં તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

બાઇક રેલીને કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં

રાજકોટ ભાજપના યુવા મોરચા દ્વારા નીકળેલી બાઇક રેલી શહેરના વિવિધ રસ્તા પર નીકળી હતી. બાઇક રેલીને કારણે રસ્તા પર પસાર થઇ રહેલા વાહનચાલકોને પરેશાની થઇ હતી. બાઇક રેલીને કારણે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.