રાજકોટ : કાર ડિલર્સ એસોસીએશને આજથી એક અઠવાડીયા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો

0
9

રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે કાર ડિલર્સ એસોસીએશને આજથી એક અઠવાડીયા સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. રાજકોટ કાર ડિલર્સ એસોસિએશનએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં વધારો થતા 7 એપ્રિલથી 14 એપ્રિલ સુધી એટલે કુલ 7 દિવસ કાર બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, શહેરના ગોંડલ રોડ, 150 ફુટ રિંગ રોડ, માધાપર ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં કાર-લે વેચ કરતા વેપારીઓના મોટા ડેલા આવેલા છે અને અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો કાર લે-વેચ માટે મોટી સંખ્યામાં આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે એક અઠવાડીયા સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

ગોમટા ગામમાં ગ્રામજનો અને આગેવાનોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ
આ ઉપરાંત આજે ગોંડલ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલા અને 6 હજારની વસ્તી ધરાવતા ગોમટા ગામમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને આગેવાનો સાથેની તાકીદની મિટિંગ બોલાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.

મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવા મંજૂરી
હાલ જીવન જરૂરિયાતની દુકાન ખોલવાનો સમય સવારના 6થી 9 અને સાંજના 6થી 9 જાહેર કરાયો છે. આ તકે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. જો કોઈ દુકાનદારના પરિવારમાંથી કોરોના કેસ પોઝિટિવ આવે તો દુકાનદારે સદંતર દુકાન બંધ રાખવાની રહેશે. બહારગામ આવવા જવા માટે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડશે. બહારગામથી આવતા ફેરિયાઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. તેમજ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here