રાજકોટ : 2 વર્ષ પહેલા દીકરીને પ્રેમપ્રકરણમાં ભગાડી જતા પરિવારજનોએ યુવકની હત્યા કરી હતી, કોર્ટે 3 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી

0
0

રાજકોટના સરધારમાં બે વર્ષ પહેલા પ્રેમપ્રકણમાં યુવતીના પરિવારજનોએ ઉમેશ પટેલ નામના યુવકની હત્યા કરી હતી. ઉમેશને આરોપીઓની દીકરી સાથે આંખ મળી જતા તેને ભગાડી ગયો હતો. આથી યુવતીના પરિવારજનોએ ઉમેશની હત્યા કરી હતી. આ બનાવમાં 9 આરોપીઓની પોલીસ ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપીની ચાલુ કેસ દરમિયાન હત્યા થઇ હતી. જ્યારે 8 પર કેસ ચાલુ હતો તે પૈકી 5 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે આજે રાજકોટ કોર્ટ દ્વારા બાકીના ત્રણ આરોપીને તકસીરવાન ઠેરવી ત્રણેયને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમજ 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જજ વી.વી. પરમાર દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. સરકારી વકીલ રક્ષિત કલોલાની દલીલ બાદ ત્રણ આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ઉમેશને પાઇપથી બેફામ માર માર્યો હતો

સરધારના ભંગડા ગામના 24 વર્ષના ઉમેશ રણછોડભાઇ સેલડીયાની બે વર્ષ પહેલા પ્રેમપ્રકરણમાં હત્યા થઇ હતી. યુવતીના ભાઇ સહિત 10 શખ્સો ઉમેશને ઉઠાવી જઇ સરધારની વીડીમાં લઇ ગયા હતા. બાદમાં પાઇપથી બેફામ માર મારવામાં આવ્યો હતો. આથી ઉમેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન ઉમેશનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.