રાજકોટ માં એકા એક મોતનો આંક વધ્યો, 24 કલાકમાં 32ના મોત, મેયર કોરોનાગ્રસ્ત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4800ને પાર

0
0

રાજકોટમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક અધધ.. વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 32 લોકોના મોત થયા છે. એટલે કે પહેલીવાર મૃત્યુઆંક અચાનક બમણો નોંધાયો છે. સિવિલમાં 26ના અને ખાનગી હોસ્પિટલમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. સોમવારે મેયર બિનાબેન આચાર્યના પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મેયર બિનાબેન આચાર્ય નો પોઝિટિવ આવ્યો છે. જયંતિ રવિ આજે રાજકોટમાં છે. ત્યારે પહેલીવાર મૃત્યુઆંક ડબલ નોંધાયો છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4800ને પાર પહોંચી ગઈ છે.

મેયર બિનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સોમવારે મેયર બિનાબેન આચાર્યના પતિ પોઝિટિવ આવ્યા હતા અને મેયર બિનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેયર બિનાબેન આચાર્ય પાટીલની રેલી અને દરેક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. મેયરનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા કચેરીમાં અરજદારો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટની જાણીતી સંસ્થા સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે ગુણુભાઈ પણ પાટીલ આવ્યા ત્યારે તેને મુલાકાત કરી હતી.

રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 4897 થઈ
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક જ દિવસમાં 116 કેસ આવ્યા હતાં. જેમાંથી ગ્રામ્યના 32, શહેરના 84 કેસ નોંધાયા હતા. જ્યારે એક જ દિવસમાં 17 મોત નીપજ્યાં હતાં. જેમાં 15 રાજકોટ, જ્યારે 2 અન્ય જિલ્લામાંથી છે. આ સાથે રાજકોટમાં કુલ કેસની સંખ્યા 4897 થઈ છે. જામનગર જિલ્લામાં 101, મોરબી જિલ્લામાં 23, જૂનાગઢ જિલ્લામાં 25, અમરેલી જિલ્લામાં 28, ગીર સોમનાથ 14 કેસ અને એક મોત તેમજ પોરબંદર જિલ્લામાં 15 કેસ અને 3 મોત નોંધાયા હતાં.

ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા વિશે માહિતી મળે તે માટે કંટ્રોલરૂમ કાર્યરત
રાજકોટમાં કોરોના માટે સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા અંગે તેમજ અન્ય માહિતી માટે નાગરિકોને કોઈપણ સમયે ફોન દ્વારા માહિતી મળી શકે તે માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. બેડની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવવા 9499804038, 9499806486, 9499801338, 9499806828 અને 9499801383 નંબર પર સંપર્ક કરી શકાશે. આ હેલ્પલાઈન રોજ સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવી છે.

જયંતિ રવિએ હેન્ડ વોશનો વીડિયો શેર કરવા અપીલ કરી
રાજકોટ શહેરમાં પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ ગઈકાલે મનપા કચેરી ખાતે શહેરની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો સાથે એક ખાસ બેઠક યોજી જુદા જુદા મુદ્દાઓ અંગે પરામર્શ કર્યો હતો. જયંતિ રવિએ કહ્યું હતું કે, હાલ માત્ર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે વહીવટી તંત્રને એન.જી.ઓ. તથા નાગરિકોના સાથ સહકારની પણ એટલી જ આવશ્યકતા છે. આપણે સૌએ કોરોનાથી બચવા માટેના પ્રયાસનો સતત વ્યાપક પ્રચાર પ્રસાર કરવા “જન આંદોલન” છેડવાની જરૂરિયાત છે. સમાજમાં સારો મેસેજ પ્રસરે અને લોકો વધુ જાગૃત અને સતર્ક બને તે માટે સૌ આગેવાનો હેન્ડ વોશનો વીડિયો શેર કરવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here