રાજકોટ : સંતોષીનગર અને માલિયાસણમાં ડિમોલિશન, 1 મંદિર, 39 મકાન અને 16 દુકાનો પર બૂલડોઝર ફરી વળ્યું

0
7

રાજકોટ મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નં.3ના સંતોષીનગર વિસ્તારમાં 55 મિલકતો પર મનપાનું બૂલડોઝર ફરી વળ્યું હતું. જેમાં 1 મંદિર, 39 રહેણાંક મકાન, 16 દુકાનો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. મનપાની ટીપી શાખા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં મનપાએ 4.42 કરોડની 1100 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તેમજ માલિયાસણમાં ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળ્યું હતું.

સંતાષીનગરમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું

શહેરના વોર્ડ નં.3માં સંતોષીનગર વિસ્તારમાં આજે વહેલી સવારે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ડિમોલિશનમાં કોઈ અઇચ્છનીય બનાવ બન્યો નહોતો. ગેરકાયદેસર મિલકતો ખડકી દેનારાઓને અગાઉ જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ જગ્યા ખાલી ન થતા આજે મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક 25 જેટલા દબાણો દૂર કરાયા

રાજકોટ-અમદાવાદ હાઇવે પર પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. માલિયાસણ અને આજુબાજુના હાઇવે પર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. અલગ અલગ 25 જેટલા દબાણો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લાખો રૂપિયાની સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે.