રાજકોટ : ફાર્મ હાઉસમાં પાર્ટી કરી નશાની હાલતમાં BMW કારચાલક ડોક્ટરે બાઈકને ઉલાળ્યું, RMC કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત

0
8

રાજકોટમાં મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક BMW કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પૂરપાટ ઝડપે આવતી BMW કારે બાઇકચાલકને હડફેટે લીધો હતો. કાર ચાલક ડોક્ટર હોવાનું સામે આવ્યું છે.શહેરની ભાગોળે ફાર્મ હાઉસમાં કારચાલક મિત્રો સાથએ દારૂની મહેફીલ માણી પરત ફરતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં કોર્પોરેશન ખાતે ઢોર પકડતા કર્મચારીને બાઈક સાથે ઉલાળતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

કોર્પોરેશનના કર્મચારી નોકરી પુરી કરી બાઈક પર ઘર તરફ જતા હતા

કોર્પોરેશનના કર્મચારી નોકરી કરીને બાઈક પર પોતાના ઘરે તરફ જતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે BMW કાર ડોક્ટર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હતો અને લક્કીરાજે કેફી પદાર્થ પીધું હતું, જેના નશામાં કાર પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસે લક્કીરાજની ધરપકડ કરી છે.

અકસ્માત બાદ આસપાસમાંથી લોકો દોડી આવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયા ગામના 40 વર્ષીય જયંતીભાઈ રાઠોડ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરે છે. તેઓ પોતાની નોકરી પતાવીને પોતાના બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતી BMW કારે તેમને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલક પીધેલી હાલતમાં બેદરકારીથી કાર ચલાવતો હતોઃ ACP

આ અંગે ACP એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે, ગઇકાલે અમુલ સર્કલ પાસે BMW કાર ચાલકે ખૂબ જ બેદરકારીથી અને પીધેલી હાલતમાં કાર ચલાવી હતી. તેણે બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઈકચાલક જયંતીભાઈનું મોત નીપજ્યું હતું. આજે કારચાલક લક્કીરાજની 304 મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.