રાજકોટ : મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે પરિવારજનને ફોન આવ્યો ડેડ બોડી લઇ જાવ

0
7

કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયો છતાં બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પરિવારજનને ફોન આવ્યો કે, ડેડ બોડી લઇ જાવ. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આજ રીતે જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી અને ડેડબોડી બીજાની આપી હતી. જોકે પરિવારને ફોટો બતાવતા જ પરિવારે આ વૃદ્ધા આમારા નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસુચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત. આમ જયારે રાજકોટ શહેર કોવિડના સકંજામાં સપડાઈ રહ્યું છે ત્યારે રાજકોટ સિવિલના તંત્ર વાહકો જાણે ઘોર નિંદ્રામાં પડ્યા હોય તેવા સવાલો સામે આવી રહ્યા છે.

સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા સૂકી – ખેતીવાડી કૃષિ યુનિવર્સિટીના નિવૃત અધિકારીનો ગત 2 એપ્રિલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ હોમ કોરોન્ટાઇન થયા હતા. બાદમાં 4 તારીખે ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતા સવારે 5.45 વાગ્યે મૃત્યુ થયું હતું, જે બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જો કે આ બાદ પરિવારજનોને અંતિમવિધિ માટે ફોન કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને 8 એપ્રિલ એટલે કે ગઇકાલે બપોરના 11 વાગ્યે અંતિમવિધી માટે મૃતદેહ પરિવારને અંતિમ દર્શન કરાવી સોંપવામાં આવ્યો હતો જે બાદ 80 ફૂટ રોડ પર આવેલ બાપુનગર સ્થિત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શું તંત્ર પાસે મૃતદેહ લઇ જવાયાનો કોઇ રેકોર્ડ નથી ?
આજે 24 કલાક થયા બાદ હોસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધી માટે ફોન આવતા તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. શું તંત્ર પાસે મૃતદેહ લઇ જવાયાનો કોઇ રેકોર્ડ નથી ? શું મૃતદેહ ની સંખ્યા સરકારી ચોપડે બતાવતા હોવા કરતા વધુ હોવાથી સ્ટાફ પર કામનું ભારણ વધી જવા આ રીતે કરે છે કામગીરી ?

કોણ સાંભળે, હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજન વચ્ચે થયેલા સંવાદ
હોસ્પિટલ સ્ટાફ : ચંદ્રકાંત કૃષ્ણલાલ પંડ્યાના સગા બોલો છો ?
પરિવારજન : હા
હોસ્પિટલ સ્ટાફ : અંતિમવિધી માટે તમારો નંબર આવી ગયો છે તો તમે આવી શકશો અત્યારે ?
પરિવારજન : ચંદ્રકાંતભાઇની અંતિમવિધી તો કાલે થઇ ગઇ
હોસ્પિટલ સ્ટાફ : કાલે થઇ ગઇ છે એમ ?
પરિવારજન : જી , કેમ આવી રીતે પૂછો છો ?
હોસ્પિટલ સ્ટાફ : 1 જ મિનિટ હો મોટાભાઇ
પરિવાર જન : જી
હોસ્પિટલ સ્ટાફ બાજુમાં બેસેલ વ્યક્તિને કહે છે જો તો આમાં રેકોર્ડ
હોસ્પિટલ સ્ટાફ : તમે અંતિમ વિધી માટે જઇ ચુક્યા છો ?
હોસ્પિટલ સ્ટાફ બાજુમાં બેસેલ વ્યક્તિને કહે છે આમાં જો ને નામ માં
બાજુમાં બેસેલ વ્યક્તિ : નામ તો બોલો
હોસ્પિટલ સ્ટાફ : કનફોર્મ છે ને મોટા ભાઈ
પરિવારજન : જી.?
હોસ્પિટલ સ્ટાફ : તમે અંતિમ વિધી કરી ચુક્યા છો ?
પરિવારજન : ચોક્કસ
હોસ્પિટલ સ્ટાફ : સોરી

ગઈકાલે જીવતા માજીનું ડેથ સર્ટિફિકેટ આપી દીધું.
ગઈકાલે જીવતા માજીનું ડેથ સર્ટિફિકેટ આપી દીધું.

પરિવારે અંતિમસંસ્કારની તૈયારી કરી લીધી હતી
ગઈકાલે પણ આવો જ નિંદનીય બનાવ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બન્યો હતો જ્યાં શ્વાસની તકલીફ ધરાવતા રાજીબેન મૈયાભાઇ વરૂને દાખલ કરવામાં આવ્યા હતા. ગાઇકાલે આ જ પ્રકારે માજીના દિકરાને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા માજીનું નિધન થયું છે. આથી પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બાદમાં માજીનું ડેથ સર્ટિફિકેટ પણ આપ્યું અને પીપીઇ કિટમાં પેક ડેડબોડી લઇ જવા જણાવ્યું. પરંતુ પરિવારને ફોટો બતાવતા જ પરિવારે કહ્યું કે આ અમારા માજી નથી. બાદમાં માજી જીવતા નીકળતા તેના દિકરા સાથે વીડિયો કોલથી વાત પણ કરાવી. પરિવારે અંતિમસંસ્કાર માટેની પણ તૈયારી કરી લીધી હતી.

હોસ્પિટલે સ્વીકાર્યુ કે જે કંઇ બન્યું તે અમારા સ્ટાફની ભૂલને કારણે
આ અંગે ગઈકાલે મૃતકના ભત્રીજા વાલાભાઇ વરૂએ જણાવ્યું હતું કે, મારા કાકી રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ કાલે લાવ્યા હતા. આથી હોસ્પિટલે મારા કાકીને કોવિડમાં એડમીટ કરી દીધા. આજે ત્રણ વાગ્યે ફોન આવ્યો કે રાજીબેનનું મૃત્યુ થઇ ગયુ છે તેની ડેડબોડી લઇ જાવ. આથી અમે બધા હોસ્પિટલે આવ્યા અને અમને ડેથ સર્ટિફિકેટ બતાવ્યું. પછી ફોટો દેખાડ્યો તો અમે કહ્યું કે આ અમારા માજી નથી. અમે સ્વીકારવા રાજી નથી. પછી હોસ્પિટલ સ્ટાફે વીડિયો કોલથી માજી દેખાડ્યા તો અમે કહ્યું આ અમારા માજી છે. બાદમાં હોસ્પિટલે સ્વીકાર્યુ કે જે કંઇ બન્યું તે અમારા સ્ટાફની ભૂલને કારણે બન્યું છે.

માજીના પરિવારજનોની એક જ માંગ બેદરકારી દાખવનારને કડક સજા કરો.
માજીના પરિવારજનોની એક જ માંગ બેદરકારી દાખવનારને કડક સજા કરો.

અમારા માજી જીવે છે અને તબિયત સારી છે
વાલાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ડેડબોડી સ્વીકાર્યા વગર નીકળી ગયા હતા. અમારા માજી જીવે છે અને વીડિયો કોલમાં વાત પણ કરી અમે. માજીએ કહ્યું કે બેટા મને લઇ જા મને કંઇ છે નહીં. અમારા માજીનો કોરોના રિપોર્ટ કરાવ્યો તે પણ નેગેટિવ આવ્યો છે. અમને મૃત્યુનો ફોન આવતા જ અમે સગા-વ્હાલાને જાણ કરી દીધી હતી અને સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી કરી દીધી હતી. ઘરે રોકકળ પણ થઇ હતી. મારૂ એટલું જ કહેવું છે આ અંગે તંત્રએ ધ્યાન દોરવું જોઇએ. જેથી ભવિષ્યમાં આવું બીજા સાથે ન થાય. હોસ્પિટલના સ્ટાફને તેની ભૂલની સજા મળવી જોઇએ. આવડી મોટી ભૂલ ન થવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here