રાજકોટ:શહેરની આજી GIDCમાં આવેલી ચાર માળની ફેક્ટરીનાં બીજા માળે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ચાર ફાયર ફાઇટર સાથે પહોંચી ગઈ હતી. ફેક્ટરીના ચોથા માળે મજૂરોનાં રહેણાંક છે. જેમાં મહિલાઓ સહિત 14 લોકો સુતા હતાં. આગની જાણ થતાં જ અમુક મજુરે કહ્યું સુરતની જેમ ઠેકડા મારો. પરંતુ ફાયરના જવાનોએ કહ્યું ના અમે બચાવી લેશું, અંતે 14 મજુરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે.
ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી તમામને બચાવી લીધા
આગ લાગી ત્યારે ફેક્ટરીનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી ફાયર બ્રિગેડનાં જવાનોએ બાજુની ફેક્ટરીનો દરવાજો તોડી પહેલા માળની દિવાલમાં બાકોરૂ પાડી ફેક્ટરીના ચોથા માટે પહોંચ્યા હતા અને તમામને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. આ આગ GIDC કયુ-વન રોડ પર આવેલી સંજયભાઇ મુળજીભાઇ લીંબાસીયાની હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ નામની ચાર માળની ફેક્ટરીના બીજા માળે લાગી હતી. આ આગમાં માલ-સામાનને નુકસાની થઈ છે. પરંતુ કોઈ જાનહાની થઈ નથી.