Friday, September 17, 2021
Homeરાજકોટ : દર્દીનો સંપર્ક ન થતા ત્રણ દિવસથી સ્વજનો રોજ હોસ્પિટલ ધક્કા...
Array

રાજકોટ : દર્દીનો સંપર્ક ન થતા ત્રણ દિવસથી સ્વજનો રોજ હોસ્પિટલ ધક્કા ખાતા

રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, એકપણ હોસ્પિટલમાં નવા દર્દી માટે બેડ ખાલી નથી, બેડ માટે દર્દીઓ અને તેના પરિવારજનો રઝળી રહ્યા છે, સરકારી હોસ્પિટલમાં કોઇ દર્દી દાખલ હોય તો તેની શું સારવાર ચાલી રહી છે, તેની શું સ્થિતિ છે તે અંગેની વિગતો તેમના પરિવારજનોને મળતી નથી, સરકારી સિસ્ટમ પૂરી રીતે તૂટી ગઇ છે ખતમ થઇ ગઇ હોય તેવી સ્થિતિ છે, આ સ્થિતિને સમર્થન આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

અધિકારીઓએ ત્રણ દિવસે લાશ સોંપી
રાજકોટ તાલુકાના ત્રંબામાં રહેતા પ્રૌઢનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અને તબીયત લથડતા છ દિવસ પહેલા તેમને સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્રણ દિવસથી પ્રૌઢનો સંપર્ક તૂટી જતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી અને દર્દીની શોધખોળ ચાલુ છે તેવા જ સતત જવાબ મળતા હતા અને અંતે ત્રણ દિવસે પ્રૌઢની લાશ તેમના પરિવારજનોને સોંપી હતી.

બે દિવસથી જવાબ આપતા જ નહોતા
ત્રંબાના ગોવિંદભાઇ મોરવાડિયા (ઉ.વ.60)ને તા.11ના કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તા.13ની રાત્રીના તેમનો મોબાઇલ પર સંપર્ક થતો હતો, પરંતુ તા.14ના સવારથી સંપર્ક તૂટી ગયો હતો. વોર્ડમાં દાખલ ગોવિંદભાઇનો ફોન રિસિવ થતો નહોતો, તેમની તબિયત કેવી છે તેના કોઇ સમાચાર મળતા નહોતા, તેથી મોરવાડિયા પરિવારના સભ્યો રાજકોટ દોડી આવ્યા હતા અને કન્ટ્રોલરૂમમાં જાણ કરી હતી.કન્ટ્રોલ રૂમના સ્ટાફે ગોવિંદભાઇ ક્યા વોર્ડમાં દાખલ છે, શું સ્થિતિ છે તે જાણીને થોડીવારમાં કહેશું તેવી વાતો કરી હતી પરંતુ કોઇ જવાબ ત્યાંથી મળતો નહોતો, બે દિવસ વિતી જવા છતાં ગોવિંદભાઇની કોઇ માહિતી મળી નહોતી.

બે મોબાઈલ ચોરી થયા હોવાનો આક્ષેપ
તા.16ને શુક્રવારે સવારે ગામના સરપંચ નિતિનભાઇ પટેલ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને ધારાસભ્ય સહિતના આગેવાનોને આ અંગેની જાણ કરતા હોસ્પિટલ તંત્ર કામે લાગ્યું હતું અને સાંજે 4 વાગ્યે ગોવિંદભાઇનું મૃત્યુ થયાનું કહી તેમની લાશ પરિવારજનોને આપી દીધી હતી. ગોવિંદભાઇની ત્રણ દિવસથી કોઇ માહિતી મળતી નહોતી, એટલે ત્રણ દિવસ પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયાની શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી. તેમજ ગોવિંદભાઇ પાસે રહેલા બે મોબાઇલ પણ પરત નહી મળતા તે ચોરી થઇ ગયાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકારે દર્દીઓના પરીવારજનો હોસ્પિટલના સ્ટાફથી પરેશાન છે.

હેલ્પલાઇનના ફોન કલાક સુધી એન્ગેજ મળે, કલાકો બાદ ફોન રિસિવ થાય એટલે જવાબ મળે બેડ ફુલ છે
શહેરમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ છે, કેટલા બેડ ખાલી છે તેની માહિતી મળી રહે તે માટે સરકારી તંત્રએ 5 મોબાઇલ નંબરની હેલ્પલાઇન જાહેર કરી છે, જરૂરતમંદ વ્યક્તિ જ્યારે આ મોબાઇલ નંબર પર ફોન કરે છે ત્યારે એક એક કલાક સુધી ફોન એન્ગેજ આવે છે અને ફોન રિસિવ થાય ત્યારે ફોન રિસિવ કરનાર તમામ બેડ ફુલ હોવાની વાતો કરે છે, કોરોનાગ્રસ્ત દર્દીના સંબંધીને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ મેળવવો એ લોખંડના ચણા ચાવવા સમાન થઇ ગયું છે, હેલ્પલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 357 કોલ આવ્યા હતા.

સિટી સ્કેનમાં 4 કલાકનુ વેઇટિંગ, રિપોર્ટ માટે પણ વધુ ચાર કલાક
રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીનો આરટીપીસીઆરનો રિપોર્ટ જોડવો ફરજિયાત હતો, આરટીપીસીઆરમાં ત્રણ દિવસનું વેઇટિંગ આવતા રાજ્ય સરકારે ગાઇડલાઇનમાં બદલાવ કરી એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ અને તેની સાથે સિટી સ્કેનનો રિપોર્ટ આપવાથી રેમડેસિવિર ઇન્જેક્શન મળશે, જેથી લેબોરેટરીમાં સિટી સ્કેન માટે લાંબી કતાર લાગે છે, સીટીસ્કેન માટે 4 કલાકનું વેઇટિંગ છે અને સિટી સ્કેન થઇ ગયા બાદ વધુ 4 કલાક બાદ તેનો રિપોર્ટ આપવામાં આવે છે, ઓક્સિજન પર રહેલા દર્દીનું સિટી સ્કેન કરાવવાની વેળા આવે ત્યારે કેવી રીતે તેનો આ રિપોર્ટ કરાવવો તે બાબત પરિવારજનો માટે પડકારરૂપ બન્યો છે. સુવિધાના અભાવે દર્દીઓને કપરી મુશ્કેલી થઇ રહી છે.

હોસ્પિટલમાં દાખલ કર્યા, તપાસ કરી તો મોત થયાનું જાણવા મળ્યું
મનસુખભાઇ સાયાણીએ જણાવ્યું હતું કે જસદણથી મંગળવારના રોજ 92 વર્ષનાં વશરામભાઈ સાયાણીને સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓની કોવિડ સારવાર શરૂ કરવામાં આવી હતી. આ તકે હોસ્પિટલ તંત્ર દ્વારા એક માત્ર ફોન કરવામાં આવ્યો કે આપના પરિવારના સભ્ય ક્રિટિકલ છે, જે સાંભળતાની સાથે મૃતકના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા હતા, ફોનના 24 કલાક વીતી ગયા છતાં પણ કોઈ ફોન તેમની તબિયતને લઇ કરવામાં આવ્યો ન હતો, ત્યારે તપાસ કરતા ખબર પડી કે ઘણો સમય થઈ ગયો તેમનું મૃત્યુ થયાને ત્યારે આ કેવી તંત્રની કામગીરી જે સ્વજન માટે પણ તેમના પરિવારને ખોટું બોલે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments