રાજકોટમાં આજથી 6 દિવસ પહેલા સાઇક્લિસ્ટ ઉદ્યોગપતિ વિજયભાઇ સોરઠિયાનું BRTS રૂટ પર પૂરપાટ વેગે ધસી આવેલી કારે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. તેમની સાથે સાઈકલ ચલાવતા સાયકલિસ્ટો મિત્રોએ આજે મૌન પાડી કાલાવડ રોડથી ન્યારીડેમ સુધી 17 કિ.મી. જેટલું સાઈકલિંગ કરી અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અકસ્માતે મૃત્યુ થતા 24,000 કિમિની રાઇડ પુરી કરવા સ્વપ્ન અધૂરું રહી ગયું હતું.
તેમના નામથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું
ગત તારીખ 8 ઓગસ્ટ ના રોજ સવારના સમયે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સાઇક્લિસ્ટ વિજય સોરઠીયાનું BRTS રોડ પર કાર અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું. સાઇક્લિસ્ટ વિજય સોરઠીયાના મિત્રએ જણાવ્યું હતું કે, તેઓ સાયકલ ચલાવવાનું ખુબ જ પસંદ કરતા હતા 9 ઓગસ્ટના રોજ તેમનો જન્મ દિવસ હતો અને આ દિવસ પહેલા તેઓ 24,000 કિમીની રાઈડ પૂર્ણ કરવા માંગતા હતા પરંતુ તેમનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું તે વાતનું તમામ સાયકલિસ્ટોને દુઃખ છે. આજે રાજકોટના સાયકલિસ્ટો કાલાવડ રોડ થી ન્યારી ડેમ સુધી રાઈડ કરી 2 મિનિટનું મૌન પાડ્યું હતું અને ગઈકાલે તેમના નામથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
વિજયભાઇ નિત્યક્રમ મુજબ સાઇક્લિંગ કરવા નીકળ્યા
150 ફૂટ રિંગ રોડ પરના કે.કે.પાર્કમાં રહેતા વિજયભાઇ ચનાભાઇ સોરઠિયા (ઉં.વ.43) રવિવારે વહેલી સવારે પોતાના નિત્યક્રમ મુજબ સાઇક્લિંગ કરવા નીકળ્યા હતા. સવારે 5 વાગ્યે વિજયભાઇ નાણાવટી ચોકથી રામાપીર ચોકડી તરફ BRTS રૂટ પર સાઇકલ ચલાવી રહ્યા હતા. ત્યારે રામાપીર ચોકડી તરફથી પ્રતિબંધિત BRTS રૂટ પર પૂરપાટ ઝડપે કાર ધસી આવી હતી, કારચાલકે સાઇકલને ઠોકરે ચડાવી હતી. વિજયભાઇ સાઇકલ સહિત ફંગોળાયા હતા. અકસ્માત થયો તે વખતે જ ખાનગી એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થતાં વિજયભાઇને તેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI અકવાલિયા અને રાઇટર અર્જુનભાઇ ડવ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજયભાઇ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાયબરનો વેપાર કરતા હતા અને તેઓ બે ભાઇમાં મોટા હતા તેમને સંતાનમાં બે પુત્રી છે. પરિવારના મોભી વિજયભાઇના આકસ્મિક મોતથી સોરઠિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મૃતકના ભાઇની ફરિયાદ પરથી પોલીસે કારચાલકની ધરપકડ કરી
પોલીસે મૃતકના નાનાભાઇ હર્ષદભાઇ સોરઠિયાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી કારચાલક બિગબજાર પાસેના ચંદ્રપાર્કમાં રહેતા સાર્થક વસંત કોરાટ (ઉ.વ.18)ની ઘર નજીકથી ધરપકડ કરી હતી. સાર્થક કોરાટને છ મહિના પૂર્વે જ ફોર વ્હિલનું લાઇસન્સ મળ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. BRTS રૂટ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાં સાઇકલચાલક અને કારચાલકે ત્યાં વાહન ચલાવ્યા હતા.