Friday, March 29, 2024
Homeરાજકોટ : કોરોનાના પ્રથમ દર્દીથી લઈને આજદિન સુધી અડીખમ સારવાર આપતાં નર્સ...
Array

રાજકોટ : કોરોનાના પ્રથમ દર્દીથી લઈને આજદિન સુધી અડીખમ સારવાર આપતાં નર્સ દક્ષાબેન

- Advertisement -

જે રીતે મા ભોમની રક્ષા માટે હાકલ પડે અને આપણા વીર જવાનો પળનોય વિલંબ કર્યા વિના તેમનું કર્તવ્ય બજાવવા કટિબદ્ધ બની જાય છે, એવી જ રીતે કોરાનાની વૈશ્વિક મહામારીના સમયમાં સરકારી તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓ તેમના શ્રેષ્ઠતમ કાર્ય દ્વારા સમાજને કોરોનામુક્ત બનાવવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહ્યાં છે. ત્યારે આજે આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલના એક એવાં હેડ નર્સની વાત કરવી છે જેમણે રાજકોટમાં પ્રથમ કોરોનાનો કેસ આવ્યો ત્યારથી આજદિન સુધી અવિરતપણે કોવિડ વોર્ડમાં ફરજ બજાવી છે અને આખા વર્ષ દરમિયાન તેઓ કોરોનામુક્ત રહ્યાં છે.

હજારોની સંખ્યામાં દર્દીઓની સારવાર કરનાર દક્ષાબેને અનેક ઉતાર-ચડાવ જોયાં
વુહાનથી ભારતનાં વિવિધ રાજ્યોમાં ફેલાયેલા કોરોના નામના રાક્ષસનો ગુજરાતમાં સૌપ્રથમ પગપેસારો રાજકોટ શહેરમાં તા.17 માર્ચથી થયો હતો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નદીમ નામનો યુવક કોરોના પોઝિટિવ થયા બાદ તેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ માટે અત્યંત પડકારજનક ગણાતા આ કેસને ડો.આરતી ત્રિવેદી, ડો.મનીષ મહેતા અને નર્સ દક્ષાબેન ગોહેલે બિલકુલ ડર્યા વગર હેન્ડલ કર્યો હતો. શહેરમાં મળી આવેલા પ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ થયું અને હજારોની સંખ્યામાં દર્દીઓની સારવાર કરનાર દક્ષાબેને એક વર્ષ સુધી કેટલા ઉતાર-ચડાવ જોયા એ અંગે પોતાનો અનુભવ દિવ્યભાસ્કરને વર્ણવ્યો છે.

તબીબોના પૂરતા માર્ગદર્શનને કારણે ડર થોડો ઓછો થઈ ગયો.

વુહાનથી ભારતમાં કોરોના ફેલાયો એવું સાંભળ્યા બાદ થોડો ડર લાગ્યો હતો
દક્ષાબેન ગોહેલે વાતચીતમાં જણાવ્યું હતું કે વુહાનથી ભારતમાં કોરોના ફેલાઈ ગયો છે એવું સાંભળ્યા બાદ થોડો ડર લાગ્યો હતો. ત્યાર બાદ 17 માર્ચે જંગલેશ્વર વિસ્તારમાંથી નદીમ નામનો દર્દી કોરોનાગ્રસ્ત થઈને સિવિલમાં દાખલ થયો હતો. હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાં કાર્યરત હોવાથી મને કોવિડ વિભાગમાં ડ્યૂટી ફાળવવામાં આવી હતી. શરૂઆતમાં મારે શું કરવું એની સમજ પડી નહોતી, પરંતુ તબીબોના પૂરતા માર્ગદર્શનને કારણે ડર થોડો ઓછો થઈ ગયો હતો. અમે સૌથી પહેલા નદીમને બધાથી અલગ કરી દીધો હતો અને ત્યાર પછી તરત જ તેની સારવાર શરૂ કરી હતી.

કેસો વધતા ગયા અને હોસ્પિટલ સ્ટાફનું કામ ત્રણ ગણું થઇ ગયું હતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દર્દી હોસ્પિટલમાં દાખલ થયાના અંદાજે એકાદ સપ્તાહ બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો અને પછી હોસ્પિટલ સ્ટાફનું કામ પણ બમણું નહીં, પરંતુ ત્રણ ગણું થઈ જવા પામ્યું હતું. આજે પ્રથમ દર્દી દાખલ થયાને 12 મહિના જેવો સમય વીતી ગયો છે, ત્યારે હું ગર્વ સાથે ભગવાનનો આભાર માનું છું કે મને છેવટ સુધી કોરોનામુક્ત રાખી છે. હજારો દર્દીઓની સારસંભાળ રાખ્યા છતાં મને હજુ સુધી કોરોના થયો નથી.

મારી પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મેં તેનું મનોબળ મજબૂત કર્યું
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન દક્ષાબેનની પુત્રી ચિત્રા ગોહેલને મેડિકલ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી. એ સમયે તે કોરોના પોઝિટિવ થઈ હતી, આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, મારી પુત્રી જ્યારે કોરોના પોઝિટિવ આવી ત્યારે મેં મનથી નક્કી કરી લીધું હતું કે તેને કોરોનામુક્ત કરવી જ છે અને એ માટે મેં તેનું મનોબળ મજબૂત કર્યું. આ મનોબળ અને સુયોગ્ય સારવાર થકી મારી પુત્રી કોરોનામુક્ત બની છે.

ભલભલા લોકોની આંખમાંથી આંસુ નીકળી જાય તેવાં ડરામણાં દૃશ્યો જોયાં
વધુમાં દક્ષાબેને જણાવ્યું હતું કે મેં કોરોનાના આ કપરાકાળ દરમિયાન ભલભલા લોકોની આંખમાંથી આંસુ નીકળી જાય તેવાં ડરામણાં દૃશ્યો જોયાં છે, પરંતુ ક્યારેય પીછેહઠ કરવાનો વિચાર કર્યો નથી. આ સમયમાં અનેક લોકોએ નોકરી છોડી દેવા સુધીનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ હું અડીખમ રહી હતી. હું સર્વેને એક જ વિનંતી કરું છું કે કોરાનાને એક વર્ષ થયું છે, પણ હજુ કોરાના ગયો નથી, ત્યારે સાવચેતી જરૂરી છે. પરિવારના સભ્યોને જાગ્રત કરી માસ્ક પહેરવું, ભીડમાં ન જવું અને વારંવાર સાબુ સેનિટાઈઝથી હાથ સાફ રાખવા સહિતની તકેદારી રાખવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular