રાજકોટ : જિલ્લામાં ચૂંટણીમાં કોઇ વ્હીલચેરમાં તો કોઇ કાંખ ઘોડી સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

0
4

હાલ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે સંપૂર્ણ પણે અંધત્વ ધરાવતા આટકોટના રહેવાસી રસિકભાઈ પરવાડીયાએ જણાવ્યું હતું કે, જો દેશમાં જાગૃતિ ફેલાવવી હોય, જો દેશનો વિકાસ કરવો હોય તો મતદાન તો કરવું જ જોઈએ. જે દેશમાં નાગરિકો મતદાન નિયમિત કરતા હોય ત્‍યાં લોકશાહી મજબૂત બને છે. હું સંપૂર્ણ પણે અંધ છું છતાં પણ નિયમિત પણે મતદાન કરવા જાવ છું, તો યુવાનોએ તો ચોક્કસ પણે મતદાન કરવા જવું જોઈએ. દરેક મતદારે મતદાનની મહામૂલી ફરજ અચૂક નિભાવવી જોઇએ.

સાચા અને સારા ઉમેદવારને અવશ્ય મત આપવો જોઈએ-વિકલાંગ

અન્ય એક વિકલાંગ વિપુલભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આપણી ફરજ છે કે આપણે સાચા ઉમેદવારને મત આપીએ. આપણા એક મતથી દેશનું ભાવિ નક્કી થાય છે, માટે હું મારી જેમ અન્ય યુવાનોને પણ અપીલ કરૂ છું કે, સાચા અને સારા ઉમેદવારને અવશ્ય મત આપવો જોઈએ. લોકશાહીની આ જ સાચી લાક્ષણિકતા છે.

દરેક પુખ્ત નાગરિકને મત આપવાનો અધિકાર છે-દિવ્યાંગ

એક પગે વિકલાંગપણાથી પીડિત નાનજીભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે, હું દ્રઢપણે માનું છું કે મત આપવો એ આપણો જન્મ સિદ્ધ અધિકાર છે, માટે હું મારો અમૂલ્ય મત આપીને આજે આ લોકશાહીના પર્વને ભારતના નાગરિક તરીકે ઉજવી રહ્યો છું. મારા મતે આપણે દેશ, સમાજ અને રાષ્ટ્રના વિકાસ અર્થે મતદાન કરવું આવશ્યક છે. આપણી લોકશાહીમાં ભેદભાવ વગર દરેક પુખ્ત નાગરિકને મત આપી સરકારને ચૂંટવાનો અધિકાર મતદાન તરીકે પ્રાપ્ત થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here