રાજકોટ : વર્ષોના ઈતિહાસમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચુંટણી કરવી પડી નથી

0
3

રાજકોટથી આશરે 22 કિલોમીટર દૂર આવેલું રાજસમઢીયાળા એવું ગામ છે જેના માટે એવું કહેવાનું મન થાય કે કુછ દિન તો ગુજારો ઇસ ગાંવ મેં. આ એવું ગામ છે જ્યાં આટલા વર્ષોના ઈતિહાસમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચુંટણી કરવી પડી નથી, ગામના લોકો આપસી સહમતીથી જ ગ્રામ પંચાયતની બોડી નક્કી કરે છે અને મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયતનું સંચાલન થાય છે.

આ ગામની લોકઅદાલતો સુપ્રિમ
આ ગામમાં છેલ્લા ૩૦ વર્ષથી ક્રાઈમ રેટ ઝીરો છે એટલે કે આટલા વર્ષમાં ક્યારેય અહીં પોલીસની જીપ નથી આવી કે કોઈ ગુનો નથી નોંધાયો. ગામ લોકો અને પંચાયતે નક્કી કરેલા નિયમો જ આં ગામનો કાયદો છે અને અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રિમ છે. ગ્રામજનોએ ક્યારેય કોર્ટના પગથીયા પણ ચઢવા પડ્યા નથી કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ ન્યાય કરે છે.

ગામમાં ગંદકી કરનારને દંડની જોગવાઈ
રાજ સમઢીયાળા ગામની કાયાપલટ કરનાર હરદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આખું ગામ વાઈ-ફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે. વર્ષીથી આ ગામ પ્લાસ્ટિક અને વ્યસન મુક્ત છે. અહીં દરેક વ્યક્તિને કોઈપણ વસ્તુની ખરીદી કરે તો તે વસ્તુના પેકેટ ઉપર જ ખરીદી કરનારનું નામ લખવામાં આવે છે જેથી જો પ્લાસ્ટિક ક્યાંય ફેંક્યું હોય તો કોણે ફેક્યું તે જાણી શકાય. અહીં વ્યસન કરનાર કે જ્યાં-ત્યાં ગંદકી કરનારને દંડ કરવાની જોગવાઈ છે.

દરેક ગ્રામજનોના સહકારથી શક્ય બન્યું છે
રાજ સમઢિયાળા ગામમાં આજે જે કઈ ઉપલબ્ધિ મેળવી છે તે આ ગામના દરેક ગ્રામજનોના સહકારથી જ મળી છે. બીજું કે રાજકીય કોઈ ફાટા પડેલા નથી. દરેક વ્યક્તિ હળીમળીને કામ કરે, દરેક સુવિધાથી ગ્રામજનોને સંતોષ છે. – ભાવનાબેન અશોકભાઈ વઘેરા, સરપંચ

રાજ્યના પ્રથમ આર્દશ ગામની વિશેષતાઓ
પ્રાથમિક-માધ્યમિક શાળા, આંગણવાડી, PHC સેન્ટર, સબ પોસ્ટઓફીસ, વોટર સપ્લાય, સોલાર સ્ટ્રીટ લાઈટ, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન, સિમેન્ટના રોડ, કચરો ફેંકનાર, ચોરી-વ્યસન કરનાર, વૃક્ષ કાપનારને દંડની જોગવાઈ છે. ઝઘડા, મતભેદ અને તકરાર હોય તો બધાના સમાધાન કમિટી જ કરે છે.

ગામને આટલા એવોર્ડ મળ્યા

  • બેસ્ટ સરપંચ એવોર્ડ (જીલ્લા કક્ષાનો)
  • બેસ્ટ વોટર હાર્વેસ્ટિંગનો એવોર્ડ(રાજ્યકક્ષાનો )
  • બેસ્ટ ખેડૂતનો એવોર્ડ (રાજ્યકક્ષાનો)
  • વિલેજ ડેવલોપમેન્ટ એવોર્ડ (નેશનલ એવોર્ડ)
  • નિર્મલ ગ્રામ એવોર્ડ
  • તીર્થગ્રામ એવોર્ડ
  • સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ
  • શ્રેષ્ઠ ગ્રામપંચાયત એવોર્ડ (જીલ્લાકક્ષાનો )
  • સ્વચ્છતા માટે સ્વર્ણિમ ગ્રામ એવોર્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here