રાજકોટ : બે દિવસમાં ભાજપના બે કોર્પોરેટરે પ્રજાની હકાલપટ્ટી કરતા હોય એવા બે કિસ્સા સામે આવ્યા

0
0

રાજકોટમાં ચૂંટણી સમયે આજીજી કરીને બે હાથ જોડીને ભાજપના નગરસેવકો પ્રજા પાસે મત માગવા ગયા હતા. લોકોએ વિશ્વાસ કરીને ખોબલે ખોબલે મત આપીને જિતાડી દીધા. હવે પ્રજાના કામની વાત આવી તો આ કોર્પોરેટરો સત્તાના નશામાં આવી ગયા હોય તેમ પ્રજાને જ ઉડાઉ જવાબ આપી એક હલકી કક્ષાની માનસિકતા પ્રગટ કરી રહ્યા છે. રાજકોટમાં બે દિવસમાં ભાજપના બે કોર્પોરેટરે પ્રજાની હકાલપટ્ટી કરતા હોય એવા બે કિસ્સા સામે આવ્યા છે. આવા કોર્પોરેટરને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કે રાજકોટ શહેર પ્રમુખ ભાન કરાવશે કે પછી આમને આમ પ્રજા ભોગ બનતી રહેશે એવો સવાલ લોકોમા ઊઠ્યો છે.

કિસ્સો-1
રાજકોટમાં 17 જુલાઈએ ભાજપનાં વોર્ડ નં.14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની સ્થાનિક મહિલા સાથે ગેરવર્તન કરતાં હોવાની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી. આ મુદ્દે મનપાના જનરલ બોર્ડમાં મળેલી મીટિંગ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરે રડતાં રડતાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ, હું પ્રજાની માફી માગું છું.

કોર્પોરેટરને ફોન ન કરવા સ્થાનિકોને આપી ધમકી
આ ઓડિયો-ક્લિપમાં કોઈ સ્થાનિક મહિલાએ વર્ષાબેનને ફોન કરીને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ગંદકીના ગંજ જામ્યા છે. તમે કંઈક કરો, ત્યારે પ્રથમ તો વર્ષાબેને ફોન કટ કરી નાખ્યો હતો, ત્યાર બાદ ફરી સ્થાનિક મહિલાએ ફોન કરતાં વર્ષાબેન ઊકળી ઊઠ્યાં હતાં અને કહ્યું હતું કે તમારો વિસ્તાર કયો છે? ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે હું નવયુગપરા સાત નંબરમાંથી વાત કરું છું. તેના પ્રત્યુત્તર સ્વરૂપે વર્ષાબેને કહ્યું હતું કે જાને હવે, તમારા વિસ્તારમાંથી એકપણ મત નથી મળ્યો, હવે મને ફોન નહીં કરતી. આટલું કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

કોર્પોરેટરને ફોન ન કરવા સ્થાનિકોને આપી ધમકી.
કોર્પોરેટરને ફોન ન કરવા સ્થાનિકોને આપી ધમકી.

કિસ્સો-2
રાજકોટમાં 18 જુલાઈએ ભાજપના વધુ એક કોર્પોરેટરની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી. વોર્ડ ન.11ના કોર્પોરેટર વિનુભાઈ સોરઠિયા અને સામાન્ય નાગરિક અતુલભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઓડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં કોર્પોરેટર અતુલભાઇને કહે છે કે મને 47 ફોન આવે છે, બધાને જવાબ દેવા હું નવરો નથી. બીજા ચાર કોર્પોરેટર છે, તેને ફોન કરો, મને નહિ. ત્યારે અતુલભાઈ કહે છે કે મત માગવા સમયે તો ખેસ પહેરીને બે હાથ જોડીને આવ્યા હતા અને કહેતા હતા કે અમને મત આપજો.

કોર્પોરેટર અને અતુલભાઈ સાથે થયેલી વાતચીતના અંશો
કોર્પોરેટરઃ હલ્લો.
અતુલભાઇઃ વિનુભાઈ બોલે છે.
કોર્પોરેટરઃ હા.
અતુલભાઈઃ અતુલ અદા બોલું, અહીં વોકળાના કાંઠેથી, સોરઠિયા પાર્કથી…
કોર્પોરેટરઃ બોલો.
અતુલભાઈઃ અહીં કંઇક કરાવોને, ભૂંગળામાં હવે અર્થિંગ જ દેવાના છે, ક્યારેક તો ચક્કર મારો, તમે કોર્પોરેટર છો અમારા એરિયાના.
કોર્પોરેટરઃ હું અઠવાડિયામાં બેવાર ચક્કર મારું છું, તમે કહેતા હોય તો ફોટા મોકલતા જઇએ.
અતુલભાઈઃ મોકલો ફોટા.
કોર્પોરેટરઃ હા લ્યો.
અતુલભાઇઃ એમાં ગરમ થાવમાં, અમે તમને મત દઇને ચૂંટ્યા છે, 24 કલાક હું મારા ઘરમાં જ હોઉં છું, તમે ક્યારેય દેખાણા જ નથી.
કોર્પોરેટરઃ તમે કંઇ વ્યવસ્થિત વાત કરો તો કરાયને, હું 20 વખત વોકળે આવ્યો છું, મારે તો ફરજિયાત નથી કે તમારી ડેલીએ આવવું પડે.
અતુલભાઇઃ મત લેવા તો તમે ઝંડા અને ખેસ પહેરીને નીકળ્યા હતા.
કોર્પોરેટરઃ તમારો બ્રાહ્મણ તો ખેસ નહોતો ને.
અતુલભાઇઃ મારો ખેસ નહોતો, કમળનો હતો, ત્યારે તમે હાથ જોડીને નીકળ્યા હતા અને કહેતા હતા કે મત અમને દેજો…મત અમને દેજો. તમને મત દીધા, હવે દેખાવાનું જ નહીં.
કોર્પોરેટરઃ દેખાતા જ હોઇએ, પણ તમને મળવું જરૂરી નથી.
અતુલભાઇઃ સવારે ફોન કર્યો ત્યારે તમે કહ્યું કે મીટિંગમાં છું.
કોર્પોરેટરઃ હા, તો જનરલ બોર્ડની મીટિંગ હતી તો કોઈ સાથે વાત ન થાય એ બધા જાણે છે. 47 જણાના ફોન છે, બધાને મારે કરવા ન બેસાય. હું ફોન કરવા નવરો નથી. બીજા ચાર કોર્પોરેટર છે, તેને ફોન કરો, મને ન કરતા.
અતુલભાઇઃ હું પ્રદીપભાઇ ડવ(મેયર)ને આ રેકોર્ડિંગ સંભળાવીશ.
કોર્પોરેટરઃ હા. ભલે.

કોર્પોરેટરે મીડિયા સાથે વાત કરી.
કોર્પોરેટરે મીડિયા સાથે વાત કરી.

શું ભાજપના કોર્પોરેટરની લોકો સાથે દાદાગીરી
ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે મત માગવા અને મતદારોને રીઝવવા પક્ષના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવે છે. ત્યારે હાલ પ્રજા પોતાના પ્રશ્નો કોર્પોરેટરો સમક્ષ રજૂ કરે છે ત્યારે શું ભાજપના કોર્પોરેટર લોકોની ફરિયાદ સાંભળવાને બદલે આ રીતે સ્થાનિકો સાથે દાદાગીરી કરે એ કેટલા અંશે યોગ્ય ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here