Tuesday, September 21, 2021
Homeરાજકોટ : સિવિલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ બંધ, પાછલા દરવાજે 40થી વધુ...
Array

રાજકોટ : સિવિલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ બંધ, પાછલા દરવાજે 40થી વધુ એમ્બ્યુલન્સની લાઇન

રાજકોટમાં કોરોનાની ભયજનક સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે તો હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર મેઇન ગેટ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ પાછલા દરવાજે દર્દી સાથેની 40 જેટલી એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી ગઇ છે. એમ્બ્યુલન્સના ડ્રાઇવરો આક્ષેપ કરી રહ્યાં છે કે, નવા દર્દીને દાખલ કરવા દેવામાં આવતા નથી. આથી એમ્બ્યુલન્સની અંદર જ દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.

108 એમ્બ્યુલન્સને અંદર જવાની મનાઇ
સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઇસ્કૂલનો ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સને અંદર જવા પર મનાઇ કરવામાં આવી છે. તમામ દર્દી ભરેલી એમ્બ્યુલન્સ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રાખવામાં આવી છે. એકસાથે 40 જેટલી એમ્બ્યુલન્સ લાઇનમાં ઉભી રહેતા બિહામણું દ્રશ્ય રાજકોટમાં જોવા મળ્યું છે.

ચાર કલાકે વારો આવે છે- 108ના પાયલોટ
108ના પાયલોટ ગોપાલભાઇએ જણાવ્યું હતું કે, હું છેલ્લા દોઢથી બે કલાકથી અહીં લાઇનમાં ઉભો છું. હું અંદર પૂછવા ગયો તો હજુ પણ અંદાજે બે કલાક જેવી અંદર જતા વાર લાગશે. હાલ 108ની અંદર દર્દી છે તેને સારવાર ઓલરેડી મળી જ રહી છે. તેને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે તો ઓક્સિજન પણ મળી જાય છે. પરંતુ લાઇન વધારે છે એટલે સમસ્યા વધારે છે. અમારે કેસ પણ વધારે પેન્ડિંગ પડ્યાં છે. અહીંથી ગાડી ફ્રી થાય ત્યારપછી જ અમને બીજા કેસ મળી શકે ત્યાં સુધી બીજા કેસ અમને મળી શકે તેમ નથી. હોસ્પિટલમાં જગ્યાની જ મુખ્ય સમસ્યા છે.

દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી રહ્યાં છે.
દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી રહ્યાં છે.

બે દિવસ પહેલા પણ સિવિલમાં 108ના થપ્પા લાગી ગયા હતા
બે દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે 108 એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા હતા. 50થી વધુ 108 એમ્બ્યુલન્સ સાથેની લાઇન જોવા મળી હતી. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓને દાખલ કરી શકાતા નથી. મોટી મોટી વાતો કરીને રાજકીય નેતાઓ જતા રહે છે પણ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.

મેઇન દરવાજો બંધ થતા પાછલા દરવાજે એમ્બ્યુલન્સની લાઇન લાગી.
મેઇન દરવાજો બંધ થતા પાછલા દરવાજે એમ્બ્યુલન્સની લાઇન લાગી.

બે કલાક સુધી સારવારમાં ન લઇ જવાતા દર્દીએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો
​​​​​​​
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.

108ના પાયલોટ ગોપાલભાઇ.
108ના પાયલોટ ગોપાલભાઇ.

સ્ટ્રેચર આવતા જ દર્દીનું મોત નીપજે છે
આ વાઇરલ વીડિયો રાજકોટની સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરનો છે. સમરસ હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા જોવા મળી રહ્યાં છે. તેમાં એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નહોતા. બાદમાં આ દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશો તેની દરકાર પણ કરતા નહોતા. અંતે સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લઇ પણ લીધા હતા. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે પરંતુ દર્દીએ અનંતની વાટ પકડી લીધી હતી.​​​​​​​

ગઇકાલે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં 2 કલાક સુધી સારવાર ન મળતા દર્દીએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો.
સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં 2 કલાક સુધી સારવાર ન મળતા દર્દીએ એમ્બ્યુલન્સમાં દમ તોડ્યો હતો.

રાજકોટમાં એમ્બ્યુલન્સ કોરોનામાં વ્યસ્ત, મહિલાનું મોત
રાજકોટના માધાપર ચોકડી પાસે એક મહિલા મૃત હાલતમાં મળી આવતા ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. જોકે શહેરમાં તમામ એમ્બ્યુલન્સ હાલ કોરોનામાં વ્યસ્ત હોવાથી એક પણ એમ્બ્યુલન્સ ન મળતા મહિલાની ડેડબોડીને છકડો રિક્ષામાં લઇ જવી પડી હતી. 108ને ફોન કર્યો પરંતુ કોરોનામાં વ્યસ્ત હોવાથી 2 કલાક પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા અંતે છકડો રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments