રાજકોટ : મારો પતિ મને તું તો જાડી છે, મને ગમતી નથી તેવું કહી અવારનવાર માર મારતો હતો

0
5

રાજકોટના ઢેબર રોડ પર ગીતાનગરમાં રહેતા નીતાબેન શત્રુઘ્નકુમાર નૈયા નામની ભાવનગરની પરિણીતાએ ફરિયાદમાં પતિ શત્રુઘ્ન મનુભાઈ નૈયા, સાસુ હંસાબેન મનુભાઈ, જેઠ ભરતભાઈ મનુભાઈ નૈયા, જેઠાણી અલકાબેન ભરતભાઈ સામે ત્રાસ અને મારકૂટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. નીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા સગાભાઇ પ્રતાપભાઇ આણંદભાઇ સાથે તેના મકાનમાં ડિસેમ્બર 2015થી એકલી રહું છું અને ઘરકામ કરું છું. મારા લગ્ન 13 મે 1998ના રોજ ભાવનગરના મનુભાઇ વીરાભાઇ નૈયાના દિકરા શત્રુઘ્ન સાથે થયા હતા. મારો પતિ મને તું તો જાડી છે, મને ગમતી નથી તેવું કહી અવારનવાર માર મારતો હતો.

સાસુ ઘરકામ બાબતે અને જેઠાણી રસોઇ બાબતે ઝગડા કરતા
નીતાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતું કે, મારા લગ્ન બાદ મારા પતિ તથા સાસરિયાવાળાઓએ મને શરૂઆતમાં એકાદ વર્ષ સારી રીતે રાખી હતી. બાદમાં મારો પતિ શત્રુજ્ઞ મને કહેતો કે , તું મને ગમતી નથી અને મને જેમ ફાવે તેમ ગાળો બોલી, મારકુટ કરતો હતો. મારા સાસુ હંસાબેન પણ મને ઘરકામ બાબતે અવાર નવાર માનસિક ત્રાસ આપતા તથા મારા જેઠાણી અલકાબેન રસોઇ બનાવવા બાબતમાં મારી સાથે ઝગડા કરતા હતા. મારા જેઠ ભરતભાઇ મારી સાથે ઝગડાઓ કરતા અને આ બધી વાત હું મારા પતિને કહું તો મારા પતિ મારી કોઇ વાત સાંભળતા નહીં.

એકવાર મને માર મારી પહેરેલા કપડે ઘરમાંથી બહાર કાઢી મૂકી
મારા પતિ મને જેમ ફાવે તેમ બોલી મારકુટ કરતા હતા. જેથી મારા સાસુ, જેઠ-જેઠાણી મને સારી રીતે બોલાવતા પણ નહીં. આ મારા સાસુ તથા જેઠાણી પણ મને કહેતા કે તું તો જાડી છે એટલે જ શત્રુજ્ઞ તારી સાથે નથી બોલતો. તેમજ મારા પતિને મારી વિરૂદ્ધમાં ચડામણી કરતા હતા. જેથી મારા પતિ દારૂ પીને મારી સાથે ઝગડો કરતા અને પાંચેક વર્ષ પહેલા મારા પતિ દારૂ પીને આવી મને મારકુટ કરી પહેરેલા કપડે ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. ત્યારથી હું મારા માવતરે છું. મારે મારો ઘર સંસાર ચલાવો હોય જેથી હું બધું સહન કરતી હતી અને અમારી આબરૂના હિસાબે અને મારા મા-બાપ ન હોવાથી હું મારા ભાઇ સાથે રહું છું.

પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી.
પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી.

ભવિષ્યમાં સારૂ થઇ જશે તેમ માનીને ફરિયાદ કરી નહીં
ભવિષ્યમાં સારૂ થઇ જશે તેમ માનીને મેં પોલીસ ફરિયાદ કરી નહોતી અને મેં મારા પતિના વિરૂદ્ધમાં નામદાર કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. તો તેમાં પણ મારા પતિ ત્યાં હાજર ન રહેતા અને તેની ઉપર ભરણ પોષણની રકમ પણ ચડી ગયેલી હોય તે આપતા નહોતા. જેથી જજે ધરપકડનું વોરંટ પણ જાહેર કર્યુ છે અને નામદાર કોર્ટે માનસિક ત્રાસના તેમજ મકાન ભાડુ અને મારી દવાનો ખર્ચ એમ પોણા બે લાખ રૂપિયા મંજૂર કર્યા છે. તે પણ મારા પતિ મને આપતા નથી. મારો કરિયાવર મારા પતિના ઘરે છે. ત્યારબાદ અમોએ અનેકવાર ઘરમેળે સમાધાન કરવા માટેના પ્રયત્નો કર્યા હતા તો મારા પતિ કહેવા લાગ્યા કે મારે હવે નીતાને રાખવી નથી. આથી મેં પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ સાસરિયાઓ ન માનતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here