રાજકોટ : બીજી તરફ ડે.કમિશનર ધોકો લઇ ચા-પાનની કેબિનવાળા પાસે નિયમો સમજાવા નીકળ્યાં

0
4

રાજકોટ મહાનગરપાલિકાના બે રૂપ આજે જોવા મળ્યા હતા. એક તરફ મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્માર્ટઘર 2 અને સ્માર્ટઘર 3ની કુલ 3 દુકાનની હરાજીમાં મનપાએ લોકોનો મેળાવડો જમાવ્યો હતો. તો બીજી તરફ મનપાના ડેપ્યુટી કમિશનર એ.આર. સિંઘ પાન-ગલ્લાવાળા પાસે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા ધોકો લઇને નીકળ્યાં હતા. આથી લોકોમાં સવાલ ઉઠ્યો હતો કે, આ તે કેવો નિયમ?

અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોનાએ માથુ ઉચક્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં પણ કોરોનાએ માથુ ઉચક્યું છે. ત્યારે રાજકોટમાં કોરોના વકરતા ડેપ્યુટી કમિશનર ફરી ધોકો લઇને નિયમોનું પાલન કરાવવા મેદાને ઉતર્યા હતા. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામોવા સહિતના અનેક વિસ્તારોમાં ચા-પાનના ગલ્લા તેમજ ભીડવાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સફાઇનું કડકપણે પાલન થાય તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દુકાનોની હરાજીમાં મેળાવડો જામ્યો હતો.
દુકાનોની હરાજીમાં મેળાવડો જામ્યો હતો.

મહાનગરપાલિકાને કુલ 8.50 કરોડની આવક થઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્માર્ટઘર-2 અને સ્માર્ટઘર-3ની કુલ 38 દુકાનોની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં તમામ 38 દુકાનોની હરાજી દરમિયાન વેચાણ થયું છે. આ દુકાનોની હરાજીથી મહાનગરપાલિકાને કુલ 8.50 કરોડની આવક થઇ છે. આ દુકાનો 11.89 ચોરસ મીટરથી 21.21 ચોરસ મીટર સુધી સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કિંમત રૂ.9.80 લાખથી રૂ.20.20 લાખ સુધીની રાખવામાં આવી હતી. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

ડેપ્યુટી કમિશનર દુકાનદારને ધોકો બતાવતા નજરે પડે છે.
ડેપ્યુટી કમિશનર દુકાનદારને ધોકો બતાવતા નજરે પડે છે.

હરાજીમાં 67 અરજદારોએ ભાગ લીધો હતો
આ જાહેર હરાજી તમામ અરજદારો માટે રાખવામાં હતી. જેમાં 67 અરજદારોએ ભાગ લીધો હતો. હરરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા ડિપોઝીટ રાખવામાં આવી હતી. જે અરજદારોએ રૂ. એક લાખ રોકડાં અથવા બેંક ડિમાન્ડ ડ્રાફ્ટથી ડિપોઝીટ ભરી હરાજીમાં ભાગ લીધો હતો. ડિપોઝીટની રકમ હરાજી પૂર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવી હતી.

મનપાના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવાની છૂટ.
મનપાના કાર્યક્રમમાં લોકોને એકઠા કરવાની છૂટ.

મનપાના ડે.કમિશનર અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે મનપાના ડે.કમિશનર અગાઉ પણ ધોકો લઇને દંડ ઉઘરાવવા નીકળ્યા હતા. ત્યારે લોકોએ ધોકા સાથે દંડ ઉઘરાવવું કેટલું વ્યાજબી તેવા સવાલો કરી વિરોધ કરતા વિવાદ થયો હતો. ત્યારે આજે ફરી ધોકા સાથે કોરોનાના નિયમો સમજાવવા નીકળ્યા હતા. આ ડે.કમિશનરને મનપામા થતા મેયરની વરણી સમયના અને હરાજી સમયના દ્રશ્યો કેમ ધ્યાને નથી આવતા તે પણ એક મોટો સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here