રાજકોટ : લગ્નના કરિયાવરની વસ્તુઓ વેચી પડધરીના મહિલા બન્યા આત્મનિર્ભર

0
4

રાજકોટ સ્થિત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હાલમાં જ ‘ગાંધી શિલ્પ બજાર’ હસ્તકલા મેળાનું સમાપન થયું છે. આ મેળામા સમગ્ર દેશમાંથી પ્રચલિત પરંપરાગત કલાથી તૈયાર થયેલી ચીજવસ્તુઓના 70 જેટલા સ્ટોલ દ્વારા પ્રદર્શન તેમજ વેચાણ હાથ ધરાયું હતું. જેમાં 20 હજારથી વધુ લોકોએ મુલાકાત લઈ 15 લાખથી વધુની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. કચ્છની બાંધણી, કર્ણાટકની વૂડ ઇનલે ક્રાફ્ટ, બંગાળની પુષ્પકલા સહિતની કલા કારીગરીની ચીજવસ્તુઓ સાથે વિવિધ પ્રદેશમાંથી આવેલા કારીગરો દ્વારા વેચાણ અર્થે આવ્યા હતા. જેમાં રાજકોટની બે મહિલાઓએ સમગ્ર સમાજને નારી સશક્તિકરણનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં રાજકોટના રીટાબેને કરિયાવરની વસ્તુઓનો સ્ટોલ લગાવી આત્મનિર્ભર બન્યા છે. તો અન્ય એક મહિલા મધુબની આર્ટથી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે.

કરિયાવરની વસ્તુઓ વેચી મહિલા પગભર બની
આ હસ્તકલા મેળામાં રાજકોટના રીટાબેન ગોસ્વામીનો પણ સ્ટોલ હતો. તેઓએ લગ્નમાં કરિયાવરમાં આપવામાં આવતી વસ્તુઓનું વેચાણ કરે છે. તેમણે દીકરીના આણા-દીવાળીની આઇટમ બનાવવાની શરૂઆત સાવ નાનાપાયે કરી હતી. હવે દેશના તમામ રાજ્યના હસ્તકલાના મેળામાં પોતાના હુન્નર લોકો સુધી પહોંચાડી શક્યા છે.

રીટાબેને કરિયાવરની વસ્તુઓનો સ્ટોલ લગાવી આત્મનિર્ભર બન્યા છે
રીટાબેને કરિયાવરની વસ્તુઓનો સ્ટોલ લગાવી આત્મનિર્ભર બન્યા છે

રીટાબેન ઘરે-ઘરે જઇને વસ્તુ વેચતા હતા
રીટાબેન ગોસ્વામી પડધરીના વતની છે. રીટાબેન દીકરીના આણાની વસ્તુઓ, દિવાળીની આઇટમો બનાવવાની શરૂઆત સાવ નાના પાયે કરી હતી. તેઓ એક નાનકડા થેલામાં પોતાની વસ્તુઓ ઘરે ઘરે જઇને વેચતા હતા. એવામાં સખી મંડળનો સહકાર મળ્યો અને સરકારી સહાય પણ મળી. એટલે તેમણે પોતાના કામનો વ્યાપ વધાર્યો. ​​​​​​​

રીટાબેન થકી અન્ય 10 બહેનો પગભર બની
આ અંગે રીટાબેન જણાવ્યું હતું કે, મારો અભ્યાસ ઓછો હતો એટલે નોકરી તો મળે નહીં. હા, ભરત ગુંથણ સહિતની કલા આવડતી. એમાં ‘નારી ગૌરવ’ સખી મંડળની 2006માં હું સભ્ય બની, અમારી પ્રવૃત્તિ માટે એકવાર 12 હજારની અને પછી 2.65 લાખની વગર વ્યાજની લોન સરકાર દ્વારા મંજૂર કરાઇ હતી. જે પણ અમે ભરપાઇ કરી દીધી છે. આજ મારી સાથે મારા મંડળની 10 બહેનો પગભર બની શકી છે. આ માટે અમે સરકારની સખી મંડળની કલ્યાણકારી યોજનાના આભારી છીએ.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતીદેવી
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતીદેવી

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતીદેવી પણ આ મેળામાં જોડાયા
રીટાબેનની જેમ બિહારના મધુબનીની ભાતીગળ મિથિલા આર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતીદેવીએ આ મેળામાં તેમની કલાનો પરિચય રાજકોટવાસીઓને કરાવ્યો હતો. મધુબનીમાં ભીંત ચિત્ર, લાઈન વર્ક, કલર વર્ક, ગોબર વર્ક સહિત કુલ સાત પ્રકારે પરંપરાગત હેન્ડ વર્ક કરવામા આવે છે. ઋતુ, પ્રસંગને અનુરૂપ ફ્રી-હેન્ડ ડ્રોઇંગ અને તેમાં કુદરતી રંગોનું મિશ્રણ ત્યાંની ભાતીગળ કલાનું બેનમૂન નિરૂપણ કરે છે. ​​​​​​​

ઘરની દિવાલથી લઈને કેનવાસ પર પેઇન્ટિંગ
માત્ર 12 વર્ષની ઉંમરે માતા પાસેથી કલા શીખ્યા બાદ શાંતીદેવીએ સૌપ્રથમ પરંપરાગત રીતે ઘરોની દિવાલ પર ચિત્રો દોરવાનું શરૂ કર્યુ હતું. આ કલાને લગ્ન બાદ તેમણે તેમના પતિની મદદથી આગળ વધારી અને દિવાલની સાથે આ કલાને તેમણે કેનવાસ ઉપર જીવંત બનાવી હતી. મધુબનીના લહેરિયાગંજના નિવાસી અને મિથિલા પેન્ટિંગના મહારથી શાંતીદેવીએ આ આર્ટ વિશે જણાવ્યું હતું કે કાગળ અને કપડાંને ઘૂંટીને તૈયાર કરતા ખાસ કેનવાસ કે જે હેન્ડ-બેડથી ઓળખાય છે તે પેપર પર છાણ અને ગુન્દના મિશ્રણનું એક લેયર કરવામાં આવે છે.

મધુબનીમાં ભાતીગળ કલાનું બેનમૂન નિરૂપણ થાય છે.
મધુબનીમાં ભાતીગળ કલાનું બેનમૂન નિરૂપણ થાય છે.

શાંતિદેવીની કલા દેશવિદેશમાં પ્રખ્યાત બની
વધુમાં તેઓ જણાવે છે કે લેયર પર બ્લેક ઈંકપેનથી લાઈન અને રેખાઓના મિશ્રણથી મનગમતું ચિત્ર દોરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગેરુ, કેસુડો, કંકુ, ગેંદા, બોગન, બીલી સહિતના ફળાઉ ઝાડપાન કે તેના બીજને ઘૂંટીને તૈયાર કરેલા રંગ પુરવામાં આવે છે. ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય અને ગરવી ગુર્જરી વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસોથી ભારતીય હસ્તકલામાં નવા પ્રાણ ફૂંકાયા છે. તેઓની કલા દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે તેમજ રોજગારીના ક્ષેત્રે નવા દ્વારો ખુલ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here