રાજકોટ : 17 વર્ષના દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર સાથે PMએ 4 મિનીટ વાત કરી, કહ્યું ગુજરાત આવો ત્યારે તમારી સાથે જલેબી-ગાંઠિયા ખાવા છે

0
7

આજે સમગ્ર દેશના 32 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપ્યું હતું. બાદમાં 32માંથી 6 બાળકો સાથે વડાપ્રધાને વાતચીત કરી તેમના કિસ્સા જાણ્યા હતા. 6 બાળકોમાંથી એક રાજકોટના 17 વર્ષના દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર મંત્ર જીતેન્દ્રભાઇ હરખાણી સાથે 4 મિનીટ સુધી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. મંત્ર 2019માં અબુધાબીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલમ્પિક્સમાં સ્વિમિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. વડાપ્રધાન સાથેની વાતચીતમાં મંત્રએ કહ્યું હતું કે, તમે ગુજરાત આવો ત્યારે મારે તમારી સાથે ફોટો પડાવો છે અને જલેબી-ગાંઠિયા ખાવા છે. તેમજ ચા પણ પીવડાવીશ.

વડાપ્રધાને મંત્ર સાથે ગુજરાતીમાં વાતચીત કરી

વડાપ્રધાનઃ મંત્ર કેમ છો, મજામાં

મંત્રઃ હા સર

વડાપ્રધાનઃ તારી સાથે કોણ કોણ છે?

મંત્રઃ મારી સાથે પપ્પા અને મમ્મી છે

વડાપ્રધાનઃ પપ્પાનું નામ શું?

મંત્રઃ જીતેન્દ્રભાઇ

વડાપ્રધાનઃ અને મમ્મીનું?

મંત્રઃ બીજલબેન

વડાપ્રધાનઃ તે લોકો તો મને ફરિયાદ કરે છે કે મંત્ર અમારૂ માનતો નથી, મંત્ર ઘરમાં ઝઘડા કરે છે, એ વાત સાચી છે?

મંત્રઃ હું ઝઘડા કરતો નથી.

વડાપ્રધાનઃ મંત્ર હું વડનગરમાં હતો ત્યારે મિત્રો સાથે તળાવમાં તરતો હતો પણ તમે તો એક એથ્લીટ છો તો તમારૂ લક્ષ્ય શું છે?

મંત્રઃ હું વર્લ્ડનો સૌથી મોટો સ્વિમર બનવા માગુ છું, તમારી જેમ બનવા માગુ છું અને દેશની સેવા કરવા માગુ છું.

વડાપ્રધાનઃ તમારા માતા-પિતા માટે તમે એક પ્રેરણા બની ગયા છો અને તમારા જેવા બાળકોના માતા-પિતા માટે તમારા માતા-પિતા પ્રેરણા બની ગયા છો. તમે મને મળવા માગતા હતા તો હું ગુજરાત આવું ત્યારે મળશો.

મંત્રઃ જરૂર, ચા પીવડાવીશ

વડાપ્રધાનઃ તો રાજકોટના ગાંઠિયા લઇને આવવું પડશે.

મંત્રઃ સર તમે આવો હું જલેબી-ગાંઠીયા લઇને આવીશ.

મંત્ર બોર્ન ડાઉન સિન્ડ્રોમ બોયઃ પિતા

મંત્રએ જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાન સાથે વાત કરી તેનાથી ખુશ છું. મંત્રીના પિતા જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, મંત્રની ઉંમર 17 વર્ષની છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારથી જ અમને ખબર હતી કે, તે બોર્ન ડાઉન સિન્ડ્રોમ બોય છે. એટલે તેનો વિકાસ ઘણો ધીમો હશે. આથી અમારા આખા પરિવારે તેને સપોર્ટ કર્યો. તેને સમસ્યા છે તે તો છે જ પરતું તેની સમસ્યા ઓછી થાય તેવી અમે મહેનત કરતા જઇએ છીએ. કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, મંત્રને અમે અભિનંદન પાઠવીએ છીએ.

મંત્ર દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વીમર છે

મંત્ર જન્મથી જ દિવ્યાંગ (બોર્ન ડાઉન સિન્ડ્રોમ) છે. તે ઇન્ટરનેશનલ સ્વીમર છે. સ્પેશિયલ સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયામાં મંત્ર એક માત્ર દિવ્યાંગ સ્વિમર છે. તે 10 વર્ષનો થયો ત્યારથી સ્વિમિંગની શરૂઆત કરી હતી. બાદમાં તેમને અલગથી મંજૂરી આપવામાં આવી હતી. 2016ના વર્ષમાં નેશનલ ઓલમ્પિક્સમાં સિલેક્ટ થયો હતો. આ સ્પર્ધા મુંબઇમાં યોજાઇ હતી અને તેમાં તેણે બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

અબુધાબીમાં 15 મીટર બેક સ્ટ્રોક અને 15 મીટર ફ્રી સ્ટાઇલમાં બે ગોલ્ડ મેળવ્યા હતા

ગોવા, તેલંગાણા અને રાજસ્થાનમાં નેશનલ કેમ્પસ શરૂ થયા તે બધામાં તે બધામાં મંત્ર સિલેક્ટ થયો હતો. બાદમાં 2019માં અબુધાબીમાં સ્પેશિયલ ઓલમ્પિક્સ યોજાઇ હતી. ત્યારે દિલ્હીથી અબુધાબી ગયો હતો. અહીં તેણે 15 મીટર બેક સ્ટ્રોકમાં એક અને 15 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં એક એમ બે ગોલ્ડ મેડળ મેળવ્યા હતા. આજે વડાપ્રધાને મંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બે મિનીટ સુધી વાત કરી હતી.

બાળ પુરસ્કાર કોને આપવામાં આવે છે?

બાળ પુરસ્કાર એવાં બાળકોને આપવામાં આવે છે, જે અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હોય અથવા જેમને ઈનોવેશન, એકેડેમિક્સ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સોશિયલ સર્વિસ, બહાદુરી સહિત અન્ય ક્ષેત્રોમાં વિશેષ ઓળખ મળી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here