રાજકોટ : પોલીસ કમિશનર વેક્સિનેશનના મામલે મૂંઝવણમાં

0
0

રાજ્ય સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુધારા સાથેનું તા.1 ઓગસ્ટ સુધીનું નવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલ 60 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે તમામ વાણિજ્યક સંસ્થાઓ અને દુકાન ધંધાના સંચાલકોએ તા.31 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો નહીં હોય તો તેમને તા.1થી ધંધા રોજગાર ખોલવા નહીં દેવાય તેવો હુકમ કર્યો હતો.

વેક્સિનેશન બૂથ પર પૂરતી વેક્સિનનો અભાવ
બીજીબાજુ વેક્સિનની અછત છે અને હજુપણ લોકો વેક્સિન માટે કતારમાં ઊભા રહે છે છતાં તેમનો વારો આવતો નથી, આ સ્થિતિમાં તા.31 સુધીમાં તમામ વ્યવસાયિકોને વેક્સિન આપી શકાય તેવી સ્થિતિ દેખાતી નથી, આ વાતને મ્યુનિસિપલ કમિશનર અરોરાએ પણ સ્વીકારી હતી અને જો તમામ લોકોને વેક્સિન પૂરી નહીં પાડી શકાય તો આ મુદતમાં વધારો કરવો પડે તેવો તેમણે નિર્દેશ આપતા આગામી દિવસોમાં પોલીસ કમિશનરના જાહેરનામારૂપી ફતવાથી હજારો વેપારીઓને સમસ્યા થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

જાહેરનામામાં શું ઉલ્લેખ કર્યો છે?
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રાત્રીના 10થી સવારના 6 સુધી કર્ફ્યૂ રહેશે, તમામ દુકાન, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્સ રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે, રેસ્ટોરન્ટમાં રાત્રીના 9 વાગ્યા સુધી જ ગ્રાહકોને બેસવા દેવાશે અને રાત્રીના 12 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાશે. વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલ 60 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. જોકે સ્પા સેન્ટરો હજુ ચાલુ કરી શકાશે નહીં. જાહેરનામા મુજબ તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, જિમ, ટ્યૂશન ક્લાસીસ, પુસ્તકાલયો, પબ્લિક તથા પ્રાઇવેટ બસ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, થિયેટર્સ અને વોટરપાર્ક સ્વિમિંગ પૂલના સંચાલકો, કર્મચારીઓ અને તેની સાથે જોડાયેલા તમામ લોકોએ તા.31 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે અને જો તા.31 જુલાઇ સુધીમાં પ્રથમ ડોઝ લીધો નહીં હોય તો તા.1 ઓગસ્ટથી આવા વ્યવસાયો ખોલવા દેવાશે નહીં.

કમિશનરે કહ્યુ – પોલીસ કમિશનરનું ધ્યાન દોરીશું
પોલીસ કમિશનરના આ આદેશથી આગામી દિવસોમાં વિવાદ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે, હાલમાં કોરોના વેક્સિનની અછતને કારણે શહેરીજનો કતારમાં ઊભા રહે છે છતાં વેક્સિનના ઓછા સ્ટોકને કારણે તમામનો વારો આવી શક્તો નથી, આ બાબતથી વાકેફ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરને તા.31 સુધીમાં પ્રથમ ડોઝ લઇ લેવાની તાકીદ કરી છે, પરંતુ તમામ લોકોને વેક્સિન માટેની તક મળવી જોઇએ, આ માટે વેક્સિનનો કેટલો જથ્થો છે, આગામી દિવસોમાં કેટલો જથ્થો મળશે તે જોવામાં આવશે અને જો તા.31 જુલાઇ સુધીમાં તમામને આપી શકાય તેટલો જથ્થો મળી શકે તેમ નહીં હોય તો મુદતમાં વધારો કરવા પોલીસ કમિશનરનું ધ્યાન દોરવામાં આવશે. ત્રીજી લહેરની વિજ્ઞાનીકોએ સંભાવના વ્યક્ત કરી છે, બીજી બાજુ લોકોને રસી મળતી નથી ત્યારે માત્ર દંડને નજર સમક્ષ રાખીને કરાતી કાર્યવાહી કેટલા અંશે યોગ્ય કહેવાય ?

આ રીતે સમજો… :- પોલીસ કમિશનરનો ફતવો કેવી રીતે વેપારીઓને પરેશાન કરશે
શહેરના 7.26 લાખને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, શહેરની વસ્તી અને 18 થી વધુ વયની વ્યક્તિની ગણતરીના અંદાજ મુજબ 9.93 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, તા.31 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ નહીં લેનાર વ્યવસાયિકોને તેના ધંધા રોજગાર ખોલવા નહીં દેવાય તેવો પોલીસ કમિશનરે ફતવો બહાર પાડ્યો છે, અંદાજે 1.96 લાખ લોકો હજુ પણ વેક્સિનના પ્રથમ ડોઝથી વંચિત છે, આમા સરકારી કર્મચારીઓ, ગૃહિણીઓને બાદ કરવામાં આવે તો પણ દોઢેક લાખ લોકોને તા.31 સુધીમાં વેક્સિન આપવી પડે, આગામી તા.31 સુધીમાં વેક્સિન આપવામાં ત્રણ રજા આવશે અને હાલમાં દરરોજ 4 હજાર લોકોને વેક્સિનને પ્રથમ ડોઝ આપવામાં આવે છે, તે મુજબ 28 હજાર લોકોને જ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી શકાશે અને ડોઝનો વધારો કરવામાં આવે તો પણ 32 હજાર લોકો સુધી જ તંત્ર પહોંચી શકે આ સંજોગોમાં સી.પી.ના ફતવાથી વેપારીઓને હાલાકી થવાના નિર્દેશો મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here