રાજકોટ પોલીસની ‘સુરક્ષિતા એપ’નો દિલ્હીમાં ડંકો, રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો, 500 પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો

0
2

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ સુરક્ષિત રહે તે માટે ‘સુરક્ષિતા એપ’ બનાવવામા આવી છે. આ એપનું ડિસેમ્બર 2019માં અંજલીબેન રૂપાણી હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. મહિલાઓ માટેની સુરક્ષિતા એપને દિલ્હી ખાતે સમગ્ર ભારતના 500 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે નિર્ભયા દિવસના રોજ સિલ્વર એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસના વડા શિવાનંદ ઝાએ સમગ્ર રાજકોટના પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

એપને રાજકોટની જ IIT કંપનીએ બનાવી છે
ડિસેમ્બર 2019ના રોજ રાજકોટ ખાતે લોન્ચ થયેલી સુરક્ષિત એપને રાષ્ટ્રીય એવોર્ડ મળતા પોલીસબેડામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટની આંતરરાષ્ટ્રીય સ્તરની IIT કંપની પુજનસોફ્ટના સૌજન્યથી તૈયાર કરવામાં આવી હતી. ‘સુરક્ષિતા’ એપ્લિકેશનની વિશેષતા છે કે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. જેથી પોલીસ વિભાગનો એક નંબર તથા વપરાશકર્તા પરિવારનો એક નંબર કનેક્ટ થઈ જાય છે. જેમાં સંપૂર્ણ ડેટા આવરી લેવામાં આવ્યો છે.

‘સુરક્ષિતા એપ’ની વિશેષતા
આ એપ્લિકેશનમાં ફોટો, ફીચર્સ, રાજકોટની 30 હજારથી વધુ રીક્ષાઓનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન કોઈ પણ મહિલા ડાઉનલોડ કરે તો તેને એક લાલ બટનનું ફીચર્સ ડિસપ્લે થાય છે. આથી મહિલા સંબંધી કોઈ પણ ગુનાઓ માટે પોલીસને ફોન કરવાની જરૂરત રહેતી નથી. તેમને માત્ર લાલ બટન દબાવવાથી તેમનો નંબર અને મેસેજ પોલીસ તેમજ તેમના પરિવારને સેકન્ડોમાં પહોંચી જાય છે. આ એપ્લિકેશન દ્વારા વપરાશકર્તાનું લાઈવ લોકેશન પણ ડીસપ્લે થાય છે. જેને લઈને પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી સીધો જ ફોન વપરાશકર્તાને આવે છે. જેથી મહિલાઓ આ એપ્લિકેશન દ્વારા નિર્ભય રીતે હરી ફરી શકે છે અને મહિલાઓ સંબંધી ગુનાઓ અટકાવી શકાય છે.