રાજકોટ : 3 વર્ષની ટર્મ પૂર્ણ થતાં સિન્ડીકેટની ચૂંટણી આગામી એપ્રિલ માસમાં યોજાશે

0
4

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટની ચૂંટણીના પડઘમ વાગવાનું શરૂ થતા જ યુનિવર્સિટીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 23 મેં, 2021ના રોજ 3 વર્ષની ટર્મ પૂર્ણ થતાં સિન્ડીકેટની ચૂંટણી આગામી એપ્રિલ માસમાં યોજાનાર છે. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પેટર્નનો છેદ ઉડાડવામાં આવ્યો છે. અને જુના જોગીઓને આ સિન્ડીકેટની ચૂંટણીમાં સ્થાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જુના જોગીઓના નામ ફરી યથાવત
ગઇકાલે યુનિવર્સિટીમાં ભાજપ સંકલનની 5 જનરલ અને 4 સરકાર નિયુક્ત સીટ માટે ખાસ બેઠક મળી હતી. જેમાં વર્ષોથી ભાજપના સિન્ડીકેટ મેમ્બર તરીકે ચૂંટાતા મોટાભાગના જુના જોગીઓને રીપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જુના જોગીઓની બાદબાકી કરી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશથી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ત્યારે યુનિ.માં પ્રદેશ પ્રમુખના નિયમોનો છેદ ઉડાડી સિન્ડીકેટ માટે જુના જોગીઓના નામ ફરી યથાવત રખાતા યુનિવર્સિટીના રાજકારણમાં જબરો ગણગણાટ શરૂ થવા પામેલ છે.

નેહલ શુકલએ ઉમેદવારી નોંધાવી નથી
ગઇકાલે મળેલી સિન્ડીકેટની ચૂંટણી માટેની ભાજપ સંકલનની બેઠકમાં શહેર ભાજપના પ્રમુખ પણ ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં સિન્ડીકેટની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવેલ હતી જેમાં પ્રિન્સીપાલની બેઠક પર રાજેશભાઇ કાલરીયા, ટીચર્સની બેઠક માટે મેહુલ રૂપાણી ઉપરાંત જનરલ બેઠક માટે ભરત રામાનુજ, ગીરીશ ભીમાણી, મહેશ ચૌહાણ અને ભાવિન કોઠારીના નામ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં યોજાયેલ મનપા ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નેહલ શુકલએ સિન્ડીકેટની આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી.

CMના અંગત મિત્રના પુત્ર પણ ઝંપલાવશે
ગોધરા યુનિવર્સિટીના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ વર્ષોથી જનરલ બેઠક પર ચૂંટાઇને સિન્ડિકેટમાં આવે છે જેઓ આ વર્ષે ચૂંટણી ન લડવા જાહેરાત કરી છે તેમની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી હાલમાં મેડિસિન ફેકલ્ટીમાં અધરધેન ડીન છે તેઓ એકેડેમિક કાઉનસીલ ટુ સિન્ડિકેટ બેઠક પરથી ચૂંટણી નહિ લડે જેની જગ્યા પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ અને હાલ હોમસાયન્સ ડિપાર્ટમેન્ટમાં ડીન તરીકે ફરજ બજાવતા ડો.નિલાંબારીબેન દવેનું નામ ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે CMના અંગત મિત્ર જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતા કે જેઓ આર્કિટેક્ચર ફેકલ્ટીમાં સ્ટુડન્ટ બેઠક પર સેનેટ છે જેઓ પણ સિન્ડિકેટ બેઠકમાં ઝંપલાવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.

ક્રિમિનલ કેસ ધરાવતા વ્યક્તિ યુનિ. ચૂંટણી લડી શકશે નહીં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજરતરમાં સ્ટેચ્યુટ 187 કાયદો મુકવામાં આવ્યો છે જેને રાજ્યપાલ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ કાયદા અંતર્ગત જોગવાઇ છે કે કોઈ પણ પ્રકારના નાના મોટા ક્રિમિનલ કેસ ધરાવતા કોઇ પણ વ્યક્તિ યુનિવર્સિટીની કોઇ પણ ચૂંટણી લડી શકશે નહીં જે પણ એક સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here