રાજકોટ : કુવામાંથી આજે સવારે પિતરાઈ ભાઈ – બહેન એવા ત્રણની લાશ મળી

0
1

કાલાવડ રોડ પરનાં વેજા ગામ વાજડીની સીમમાં આવેલી વાડીનાં કુવામાંથી આજે સવારે પિતરાઈ ભાઈ – બહેન એવા ત્રણની લાશ મળી આવતા અરેરાટી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે બનાવ આપઘાતનો હોવાની શક્યતા દર્શાવી છે. જો કે, કયા કારણસર એક સાથે આ ત્રણ પિતરાઈ ભાઈ – બહેને આપઘાત કરી લીધો તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. પરિવારજનોએ પણ કારણ વિશે અજાણ હોવાનું કહ્યું છે.

પોલીસ તરફથી પ્રાપ્ત વિગત મુજબ મનહરપુર-૨ ગામના ઢોળા પર પમી હેમાભાઈ બાંભવા (ઉ.વ.૧૮) અને નજીકમાં તેનો પીતરાઈભાઈ કવા પબાભાઈ બાંભવા (ઉ.વ.૧૮) રહે છે. જયારે રેલનગરનાં સંતોષીનગર ફાટક પાસે આ બન્નેનો પીતરાઈભાઈ ડાયા પરબત બાંભવા (ઉ.વ.૧૭) રહે છે.

ગઈકાલે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ આ ત્રણેય ઘરેથી લાપત્તા બની ગયા બાદ પરીવારજનો આકુળ વ્યાકુળ બની શોધખોળ કરતા હતાં. આ દરમિયાન પમીબેનના પિતા હેમાભાઈ સહિતનાં પરીવારજનો વેજા ગામ વાજડીની સીમમાં આવેલા નંદલાલ પટેલની વાડીના કુવા સુધી પહોંચ્યા હતાં. જેની બહાર બાઈક પડયું હોવાથી ત્રણેય કુવામાં હોવાની શંકાના આધારે ફાયરબ્રીગેડને જાણ કરાઈ હતી. જેના તરવૈયાઓએ આવી શોધખોળ કરતાં ત્રણેનાં મૃતદેહો જ હાથ લાગ્યા હતાં. ૧૦૮નાં તબીબે સ્થળ પર જ ત્રણેયને મૃત જાહેર કર્યા હતાં.

જાણ થતા ગાંધીગ્રામ-૨ પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાયા હતાં. પી.આઈ. ચાવડાએ જણાવ્યું કે, ત્રણેનાં મોત ડુબી જવાથી થયાનો તબીબોએ અભીપ્રાય આપ્યો છે. ત્રણેયનાં શરીર ઉપર બાહ્ય ઈજાનાં કોઈ નીશાન ન હોવાથી હાલમાં બનાવ આપઘાતનો હોવાનું જણાય છે. જો કે, તેની પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી.  પરીવારજનો પણ કારણ અંગે અજાણ હોવાનું કહી રહ્યાં છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે પમીબેનનાં લોધીકાના ઢોલરા ગામે અંદાજે બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં. એક બે દિવસમાં તે આણુ વાળી સાસરીયે જવાની હતી. પરંતુ તે પહેલાં ગમે તે બન્યું હોય આ પગલું ભરી લીધું હતું. આ ઘટનાથી ભરવાડ પરીવારોમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. આપઘાત પાછળનું કારણ જાણવા માંટે પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here