રાજકોટ: શહેરના હુડકો ચોકડીથી આગળ આવેલા શિવધારા સોસાયટીમાં રહેતી 11 વર્ષની સગીરાના ઘરે આવી બે દીકરીના પિતાએ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ સગીરાને ધાક-ધમકી આપી ગંદા ઇશારા કરી સમયાંતરે બે-ત્રણ વખત બળજબરીપૂર્વક શરીરસંબંધ બાંધ્યા હતા. જો કે પોલીસે દુષ્કર્મ આચરનાર પારસ ઉર્ફે સાગર હસમુખ કોળીને ઝડપી પોક્સો સહિત અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સગીરાની માતાએ બીજા લગ્ન કર્યા છે
બનાવ અંગે ભોગ બનનાર બાળાના માતાએ એફઆઇઆર નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મેં બીજા લગ્ન કર્યા છે અને જેની સાથે લગ્ન કર્યા છે એ યુવાનનું પણ બીજુ ઘર છે. તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. 11વર્ષની દિકરી અગાઉ બહારગામ ભણતી હતી. વેકેશનમાં તે રાજકોટ અમારી પાસે આવ્યા પછી ફરીથી ત્યાં મોકલી નથી. પારસ ઉર્ફ સાગર હરસુખભાઇ કોળી તેના પત્ની-પરિવાર સાથે રહે છે. ગુરૂવારે સવારે મારા પતિ રાતપાળી કરીને ઘરે આવ્યા ત્યારે હું અને દિકરી સુતા હતાં. અમને બંનેને તેણે જગાડ્યા હતાં અને દિકરીને લાફા માર્યા હતાં. મેં શું થયું? તેમ પુછતાં પતિએ મને વાત કરી હતી કે મેં સવારે આવીને મોબાઇલ ફોન જોતાં પારસ ઉર્ફ સાગર કોળીનો ફોન આવ્યાનું જણાયું છે. મને શંકા જતાં રેકોર્ડિંગ ચેક કરતાં તેમાં સાગર આપણી 11 વર્ષની દિકરી સાથે પ્રેમભરી વાતો કરતો સંભળાય છે.
હવામાં કિસ ઉડાડી મને મોકલતા હતા
મારા પતિએ આવી વાત કરતાં મેં પણ મોબાઇલનું રેકોર્ડિંગ સાંભળ્યું હતું અને દીકરીને આ બધુ શું છે? તે પૂછતાં તેણીએ રડતાં-રડતાં કહ્યું હતું કે…’હું એકાદ મહિના પહેલા ઘરે એકલી હતી ત્યારે સાગરમાસાએ મારી સામે ઇશારા કરી આંખ મારી હવામાં કિસ ઉડાડી મને મોકલતાં હતાં. પરંતુ મેં ધ્યાન આપ્યું નહોતું. એ પછી સાગરમાસા રોજ મારી સામે ઇશારા કરી આંખ મારતા હતાં. એક મહિનાથી સાગરમાસા મારી સામે ખરાબ ઇશારા કરી પરાણે વાત કરવા દબાણ કરતાં હતાં અને તેના મોબાઇલ નંબર આપ્યા હતાં. હું તેની સાથે વાત ન કરું તો તે મારા ભાઇને ઉપાડી જઇ મારીને ફેંકી દેવાની ધમકી આપતાં હતાં.
પપ્પા રાતપાળીએ ગયા હોય ત્યારે સાગર આવી દુષ્કર્મ આચરતો
એક મહિના પહેલા મમ્મી દવાખાને ગયા હતાં અને પપ્પા પણ ત્યાં દેખરેખમાં હતાં ત્યારે સાગરમાસા નવેળાની વંડી ઠેંકી અંદર આવી ગયા હતાં. હું ત્યારે શેટી ઉપર સુતી હતી. દાદા આગળના રૂમમાં હતાં. સુતી હતી ત્યારે તેણે આવીને બથ ભરી લીધી હતી અને કિસ કરીને ઉઠાડી દીધી હતી. હું કંઇ બોલવા જાવ એ પહેલા મોઢે હાથ રાખી ડૂચો દઇ દીધો હતો અને ઇશારો કરી કંઇ બોલવાની ના પાડી હતી. એ પછી મને નિર્વસ્ત્ર કરી ખરાબ કામ કર્યું હતું. એ પછી પણ ત્રણેક વખત રાત્રીના સમયે પપ્પા રાતપાળીએ ગયા હોય ત્યારે સાગરમાસા નવેળાની વંડે ઠેંકીને આવેલ અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી ખરાબ કામ કર્યું હતું. આજથી પાંચ-છ દિવસ પહેલા પણ તેણે આવુ કામ કર્યું હતું. હું ડરી ગઇ હોવાથી માતા-પિતાને કે કોઇને જાણ કરી નહોતી.