રાજકોટ : દોઢ મહિને મૂકવાની રસી એક માસની બાળકીને આપી દેવાઈ

0
16

રાજકોટ: રાજ્યના પંચાયત વિભાગમાં આરોગ્ય શાખામાં કામ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફ સિવાયના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. રાજકોટમાં 700 કર્મચારી હડતાળ પર ઉતરતા રસીકરણ અને સર્વેલન્સનું કામ ખોરંભે ચડ્યું છે જે માટે આરોગ્ય શાખાએ ખાનગી એજન્સીના માણસો પાસે કામ કરતાં ખોટા રસીકરણ થયાનું ભોપાળું સામે આવ્યું છે.


જિલ્લાની આરોગ્ય શાખાના મેલ અને ફીમેલ હેલ્થ વર્કર, સુપરવાઈઝર, ફાર્માસિસ્ટ સહિતનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. સર્વેલન્સ તેમજ રસીકરણની કામગીરી હેલ્થ વર્કરને કરવાને હોય છે અને અત્યારે હડતાળ હોવાથી આરોગ્ય શાખાએ ખાનગી એજન્સી મારફત કોન્ટ્રાક્ટ પર રાખેલા વર્કરોને કામે લગાડ્યા હતા. બુધવારે મમતા દિવસ હોવાથી રસીકરણ કરવાનું હોય છે અને તેમાં અડચણ ન આવે તે માટે એજન્સીના વર્કરો રસીકરણ માટે ગયા હતા. આ દરમિયાન જેતપુરના ખારચિયા ગામે શિવાન્યા નામની બાળકી કે જે માત્ર એક જ માસની છે તેને રસી અપાઈ હતી. રસી અપાયા બાદ તુરંત જ બાળકીની તબિયત લથડી હતી જેથી આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાઈ હતી. તબીબે તપાસ કરતા માલૂમ પડ્યું કે, બાળકીને પેન્ટાવેલેન રસી અપાઈ છે જે દોઢ માસે આપવાની હતી પણ વહેલા આપી દેવાઈ છે. બાળકીને તેને કારણે ઊલટી પણ થઈ હતી. તબીબે પણ ખોટી રસી અપાયાનું માતા-પિતાને કહ્યું હતું. હાલ તો બાળકીની તબિયત સ્થિર છે અને કોઈ તકલીફ નથી તેમ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here