રાજકોટઃ લગ્નવાંછુકોને સુંદર યુવતી બતાવી તેની સાથે લગ્ન કરાવી દેવાની ખાતરી આપી રૂ.31 હજારથી માંડી રૂ.60 હજાર પડાવતી ભોપાલની ગેંગનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો હતો. રાજકોટ પોલીસે ભોપાલમાં ખાબકી એક યુવતી સહિત ત્રણને દબોચી લઇ રિમાન્ડ પર લીધા હતા. લગ્નવાંછુકો સમક્ષ રજૂ કરવામાં આવતી યુવતીને ગેંગ દ્વારા એક બેઠકના રૂ.100 ચૂકવવામાં આવતા હતા, ભોપાલની ગેંગે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના 500થી વધુ લોકોને ફસાવ્યાનો તપાસમાં ધડાકો થયો હતો.
ક્રાઇમ બ્રાંચે પાડ્યા દરોડા
લગ્નવાંછુકોને લૂંટતી ગેંગની સમગ્ર વિગતો ‘દિવ્ય ભાસ્કરે’ આપ્યા બાદ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઇમ બ્રાંચને મહત્ત્વની તપાસ સોંપી હતી અને ક્રાઇમ બ્રાંચની ટીમે ભોપાલની લક્ષ્મીનારાયણ સામાજિક કલ્યાણ સમિતિની ઓફિસમાં દરોડો પાડી સંચાલક ઉમા ગુપ્તા ઉર્ફે કાજલ પ્રકાશ રઘુવીર આહીરવાર (ઉ.વ.30), તેનો પતિ પ્રકાશ રઘુવીર આહીરવાર (ઉ.વ.29), એજન્ટ મૂળ રાજકોટના સહકારનગર મેઇન રોડ પર રહેતા અને ભોપાલમાં સ્થાયી થયેલા મયૂર રાજેશ ડોડિયાની પીએસઆઇ ધાખડા, રાઇટર પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી શુક્રવારે રાજકોટ લઇ આવી પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત
એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, લગ્નવાંછુકો ભોપાલ જતા ત્યારે સંચાલિકા સહિતના ઉમેદવારનું ફોર્મ ભરી રૂ.31 હજારથી માંડી રૂ.60 હજાર ઉઘરાવીને યુવતી અને તેના ડમી મા–બાપ પણ રજૂ કરાતા. યુવતી અને મા–બાપનો રોલ કરનાર તમામને એક બેઠકના રૂ.100 ચૂકવાતા હતા. રિમાન્ડ પર રહેલી ત્રિપુટીએ કબૂલાત આપી હતી કે, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના 200થી વધુ લોકોને યુવતી બતાવી પૈસા પડાવાયા હતા, આ ગેંગ દ્વારા 500થી વધુ લોકોને ફસાવ્યાની પોલીસને શંકા છે. પોલીસ ભોપાલની ઓફિસેથી 31 ફોર્મ, રોકડા રૂ.1.97 લાખ, 8 મોબાઇલ સહિત કુલ રૂ.2,04,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લગ્નવાંછુકોને લૂંટવાના કૌભાંડનો સૂત્રધાર ભોપાલનો મહમદ સાદીક સીદીકી હોવાનું ખૂલતા તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
લગ્નવાંછુકોને કહેવાતું યુવતીને ગિફ્ટ આપો, અને મુરતિયો રૂ.500 ચૂકવતો
સુંદર યુવતી લગ્નવાંછુ સમક્ષ રજૂ કરવામાં આવતી હતી, યુવતીને જોતાવેત જ મુરતિયો લગ્ન ની હા કહી દેતો હતો, જેવી સહમતી આપે તે સાથે જ સંચાલિકા કાજલ કહેતી કે, ‘અમારા મધ્ય પ્રદેશમાં રિવાજ છે, સગપણ નક્કી થાય એટલે કન્યાને મુરતિયાએ ગિફ્ટ આપવી જોઇએ’ અને તે સાથે જ મુરતિયો એ યુવતીને રૂ.500 આપી દેતો હતો, આમ યુવતીને એક બેઠકના કૌભાંડકારો તરફથી રૂ.100 અને મુરતિયા પાસેથી રૂ.500 મળી કુલ રૂ.600 મળતા હતા.
આઠ-આઠ યુવતીને નોકરીએ રાખી હતી
લગ્નવાંછુકોને જે યુવતી દેખાડવામાં આવતી હતી તે યુવતીઅોને બેઠક દીઠ રૂ.100 ચૂકવવામાં આવતા હતા, તો લગ્ન નક્કી થયા બાદ યુવક જેની સાથે મોબાઇલ પર વાતચીત કરતો હતો તે યુવતી તેને બતાવવામાં આવી હતી તે નહોતી, પરંતુ 8 યુવતીઓને માસિક રૂ.4 હજારના પગારથી નોકરી પર રાખવામાં આવી હતી.
મધ્યપ્રદેશના લોકોને દૂર રાખવામાં આવતા
દેશભરના અખબારોમાં જાહેરાત અપાતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો લગ્ન માટે ભોપાલ પહોંચતા હતા. મધ્યપ્રદેશની કોઇ વ્યક્તિ લગ્ન માટે જાય તો તેનું ફોર્મ ભરવામાં અાવતું નહીં, એમપીના કોઇ વ્યક્તિ પાસેથી પૈસા પડાવવામાં આવે તો ભાંડો ફૂટી જાય તે ભયને કારણે એમપીના લોકોને ફસાવ્યા નહોતા.
સીદીકે ફ્રોડ માટે બીજી સંસ્થા ઊભી કરી’તી
સૂત્રધાર મહમદ સાદીક સીદીકી ભોપાલમાં સમાયરા લગ્ન સમિતિના નામે ભોપાલમાં સમૂહલગ્નનું આયોજન કરતો હતો. આ પ્રસંગે રાજ્યના પ્રધાનો સહિતની હસ્તીઓ હાજર રહેતી સમાયરાની સફળતાની આડમાં સીદીકીએ લક્ષ્મીનારાયણ સામાજિક કલ્યાણ સમિતિની રચના કરીને લગ્નના નામે લૂંટ શરૂ કરી હતી.
પોલીસ કમિશનરે ભાસ્કર અને રિપોર્ટરને ઇનામ-સન્માનપત્ર કર્યા જાહેર
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, દિવ્ય ભાસ્કર અને તેમના રિપોર્ટર મહેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને વિશેષ માહિતી આપીને કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં મદદ કરી છે. આથી રાજકોટ પોલીસ દિવ્ય ભાસ્કર અને રિપોર્ટર મહેન્દ્રસિંહનું ઇનામ તેમજ સન્માનપત્ર આપીને સન્માન કરશે. આ જાહેરાત ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાએ પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે કરી હતી