રાજકોટ : જ્યૂબેલી અને લોધાવડ ચોકના વેપારીઓનો બીજા દિવસે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો

0
4

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વેપારીઓ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. શહેરના જ્યુબેલી રોડના વેપારીઓ બાદ આજે લોધાવડ ચોકના વેપારીઓએ ટ્રાફિક પોલીસની કનડગતને લઇ ધંધા-રોજગાર બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. આજે રાજકોટ શહેરના લોધાવાડ ચોકમાં આવેલી તમામ દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

ટ્રાફિક પોલીસની કનડગતથી વેપારીઓ પરેશાન
શહેરમાં અનેક બજારો અને મુખ્ય માર્ગ એવા છે જ્યાં કાયમને માટે ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની રહે છે. આવો જ એક રસ્તો લોધાવાડ ચોકનો છે. અહીં મુખ્ય માર્ગની સામ-સામે 35-35 દુકાનો આવેલી છે. મુખ્ય બજારોમાં જવા માટે મોટે ભાગે વાહન ચાલકો આ રસ્તાનો જ ઉપયોગ કરતાં હોય ટ્રાફિક સમસ્યા અહીં રોજિંદી બની ગઇ છે. દરમિયાન છેલ્લા દોઢેક મહિનાથી આ દુકાનો પર ખરીદી માટે આવતાં ગ્રાહકોના ટુવ્હીલર ટોઇંગ કરીને લઇ જઇ 700-700નો દંડ ફટકારવામાં આવતો હોય અને ક્યારેક વેપારીઓના વાહનો પણ ટોઇંગ થઇ જતાં હોવાથી ટ્રાફિક પોલીસની કનડગતથી પરેશાન થઇ આજે વેપારી એસોસિએશનને આક્રોશ વ્યક્ત કરી સુત્રોચ્ચાર કરી વેપાર-ધંધા બંધ રાખી સમસ્યામાંથી કાયમી છૂટકારો આપવા માગણી કરી હતી.

લોધાવડ ચોકના વેપારીઓએ સામુહિક બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો

7 રૂપિયાની વસ્તુ પાછળ 700નો મસમોટો દંડનો ડામ
આ વિરોધ અંગે વેપારીઓનું કહેવું છે કે, ગ્રાહક દુકાને 5થી 7 રૂ.ની ખરીદી કરવા આવ્યો હોય કે પછી બીજી કોઇ ચીજવસ્તુ લેવા આવ્યો હોય તે દુકાનેથી પરત ફરે ત્યાં તેનું ટુવ્હીલર ટોઇંગ થઇ ગયું હોય છે. 7 રૂ.ની વસ્તુ પાછળ 700નો મસમોટો દંડનો ડામ પણ તેને સહન કરવો પડે છે. સફેદ પટ્ટાને બદલે પીળા પટ્ટા દોરવામાં આવે અને તેની અંદર જ વાહનો રાખવાની કડક સુચના અપાય તો કારણ વગર દંડાતા વેપારીઓ અને ગ્રાહકો બચી શકશે.

આ સમસ્યાનો સામનો અમે છેલ્લા દોઢ માસથી કરીએ છે - સ્થાનિક વેપારી
આ સમસ્યાનો સામનો અમે છેલ્લા દોઢ માસથી કરીએ છે – સ્થાનિક વેપારી

વેપાર બંધ રાખી સમસ્યાનું સમાધાન લાવવા માગણી
વેપારીઓની માંગ છે કે પોલીસ તંત્ર અને મનપા તંત્ર ટ્રાફિક અંગે વ્યવસ્થા કરે તેમજ વેપારીઓને થતી ટ્રાફિક અંગે મુશ્કેલી દૂર કરે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ્યૂબેલી બાગ નજીક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આજે સતત બીજા દિવસે પણ જ્યુબેલી બાગના વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. લોધાવડ ચોક પરના 70 વેપારીઓએ ટ્રાફિક પોલીસ દ્વારા સતત દોઢ માસથી આડેધડ ટુવ્હીલર ટોઇંગ કરી લઇ જવામાં આવતાં હોવાથી કનડગત સામે રોષ વ્યકત કરવા આજે વેપાર બંધ રાખી સમસ્યાનું સમાધાન લાવવા માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here