રાજકોટ: રાજકોટની કોર્ટ પાસે આજે રસ્તા પર જતી મહિલા સાથે તુફાન કાર ચાલકને રકઝક થઇ હતી. આથી ઉશ્કેરાયેલો તુફાન કાર ચાલક મહિલાને પોલીસ પાસે હોય તેવી લાકડીથી માર મારવા લાગ્યો હતો. આથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને યુવાન જેવા દેખાતા તુફાન કાર ચાલક પાસેથી લાકડી લઇ લીધી હતી. થોડીવાર તો લોકોએ આ તમાશો નીહાળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
જાહેરમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા
કાર ચાલક પાસે પોલીસ પાસે હોય તેવી લાકડી ક્યાંથી આવી તે તપાસનો વિષય છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં મહિલા બોલી રહી છે કે મારા ભાઇને મારે છે. સામે તુફાન કાર ચાલક કહે છે કે તારો ભાઇ ગાળ બોલ્યો હતો. જાહેરમાં થૂંકનાર અને હેલ્મેટ ન પહેરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રીના શહેરમાં મહિલાની સુરક્ષાને લઇને પોલીસ શું કાર્યવાહી હાથ ધરશે? તેવો સવાલ સર્જાયો છે.