રાજકોટઃ રાજકોટ તાલુકાના હલેન્ડા ગામની ખાનગી શાળાનાં બે અનુસૂચિત જાતિના શિક્ષકને સંચાલકે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી નોકરીમાંથી છૂટા કરી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. બનાવ અંગે તાલુકાના ઉમરાળી ગામે રહેતા જગદીશભાઇ અરજણભાઇ પરમાર નામના યુવા શિક્ષકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે હલેન્ડા ગામે આવેલી શિવમ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. દરમિયાન ગત તા.26ની બપોરે તેમને તેમજ અન્ય એક શિક્ષકને શાળા સંચાલક વિજયભાઇ રામજીભાઇ સિધ્ધપરાએ તેમની ઓફિસમાં બોલાવ્યા હતા.
સંચાલકે જણાવી કંઇક અલગ જ કહાણી
બંને સંચાલકની ઓફિસમાં જતા સંચાલક વિજયભાઇએ અમને બંનેને આ સ્કૂલમાંથી શિક્ષક તરીકે છૂટા કરી દેવાનું કહ્યું હતું ત્યારે છૂટા કરી દેવાના કારણ અંગે પૂછતા સંચાલક વિજયભાઇએ તમે બંને અનુસૂચિત જાતિના હોવાથી વાલીઓ તેમના બાળકોને આ સ્કૂલમાં ભણાવવા માંગતા ન હોવાનું કારણ જણાવ્યું હતું. આવા કારણોસર શિક્ષક તરીકે છૂટા કેવી રીતે કરી શકાય તેવું કહેતા સંચાલક વિજયભાઇએ બંનેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. બનાવની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એસસીએસટી સેલનાં એસીપીએ તપાસ હાથ ધરી છે.